– 25 થી વધુ ગામના લોકોને મુશ્કેલી
– ભારે વરસાદમાં 5 ફૂટ પાણી વહેતું હોવાથી અઠવાડિયા સુધી રસ્તો બંધ રહે છે
અંબાવથી ડાભસર ગામ તરફ જવાના રસ્તે મહી કેનાલના ઢાળ ચડવાના કાંસનું નાળુ નીચુ છે. ચોમાસામાં ખેતરોના પાણીનો નિકાલ મહી કેનાલના કાંસમાં થતો ના હોવાથી નાળા ઉપર પાણી ભરાઈ રહે છે. ખેડા જિલ્લા પંચાયતના ડાકોર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તા ઉપર ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે ચારથી પાંચ ફૂટ પાણી વહેતું હોય છે. તેમજ પાણી ભરાઈ રહેતા અઠવાડિયા સુધી આ રસ્તો બંધ થઈ જાય છે. રસ્તો બંધ થઈ જતાં ૨૫થી વધુ ગામોના નાગરિકોને હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત ગળતેશ્વર તાલુકાના ૧૦થી વધુ ગામોના લોકો સ્વજન મૃત્યુ પામે ત્યારે અંતિમ ક્રીયા માટે ગળતેશ્વર ખાતે મહીસાગર નદીના પટમાં આવતા હોય છે. આ રસ્તો સૌથી ટુંકો છે, ત્યારે રસ્તો બંધ થઈ જતાં અંતિમ સંસ્કાર માટે જતા સ્વજનોને મુશ્કેલી પડે છે. ઉપરાંત આ રસ્તો ઠાસરાથી ગોધરા તરફ જતા રાજ્ય ધોરી માર્ગને જોડતો અને વડોદરા જિલ્લાને પણ જોડતો ટુંકો રસ્તો હોવાથી મહેસાણા, ઊંઝા, મોડાસાના લોકોને પાવાગઢ પદયાત્રા સંઘ લઇને જતાં હોય છે. તેમજ બાલાસિનોર, સંતરામપુર, લુણાવાડા તાલુકાઓને પણ વડોદરા, સુરત, મુંબઈ તરફ જવા આવવા માટેનો મુખ્ય રસ્તો છે. મહી કેનાલ અને શેઢી શાખા નેહરથી ડાભસર ગામ તરફ જતા નાળાની બંને બાજુ સંરક્ષણ દીવાલ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આ વર્ષે દિવાળી સમયે રૂ.૮૪ લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવનાર છે. ત્યારે આ રોડ બને તે પહેલા પાણી ભરાઈ રહેતા નાળાને બે થી ત્રણ ફૂટ ઉંચું કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.