– આણંદના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો
– કંપનીના નાણાં પોતાના અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની ફરિયાદ
આણંદની સામરખા ચોકડી નજીક રહેતા હારૂનહુસેન બચુભાઈ મલેકે શહેરની સો ફૂટ રોડ પર આવેલી પાર્ટનરશીપમાં ચાલતી જન્નત ફૂડ એલએલપી નામની કંપનીમાં એક વર્ષ પૂર્વે એકાઉન્ટન્ટ તરીકે જનક બી. દવે (રહે. રાધાસ્વામી ચેમ્બર, આણંદ)ને નોકરી પર રાખ્યો હતો.
દરમિયાન ગત તા.૪ માર્ચથી જનક દવે બે દિવસ રજા લઈને ગયા બાદ પરત ફર્યો નહતા. તેમજ તેના ઘરે જઈ તપાસ કરતા તે પોતાની માતાને લઈને બે-ત્રણ દિવસથી ક્યાંક ચાલ્યો ગયો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન હારૂનહુસેને ઓફિસમાં તથા બેંક એકાઉન્ટમાં તપાસ કરતા એકાઉન્ટન્ટે ખાતામાંથી અલગ અલગ દિવસે કુલ રૂા.૪,૨૯,૬૬૧ જેટલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપરાંત તા.૬ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જનતા ચિકનની ઓફિસે જઈ ધંધાના બાકી પડતા રૂપિયા ભાગીદારોના નામથી કુલ રૂા.૩.૧૫ ઓફિસના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે લઈ જઈ કુલ રૂા.૭,૫૨,૬૬૦ની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હારુન હુસેન બચુભાઈ મલેકે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે જનક બી. દવે (રહે. રાધાસ્વામી ચેમ્બર, આણંદ) વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.