– જિલ્લામાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની 34 ટીમો કામે લાગી
– આણંદ શહેરમાં ઝાડા- ઉલટીના વધુ ૨૧ અને મોગરી ગામે ૨૪ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ,મોગરી ગામે ૧૧ અને શહેર બે સ્થળે પાણીના લીકેજ મળ્યા
– આણંદમાં અત્યાર સુધીમાં કોલેરાના છ કેસ નોંધાયા, પાણીના પણ સેમ્પલ લેવાયા
આણંદ: છેલ્લા એક સપ્તાહથી આણં દ જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી છે. જે વચ્ચે આજે આણંદ શહેરમાં વકરેલ પાણીજન્ય રોગચાળો અટકવાનું નામ નથી લેતો. આજે આણંદ શહેરમાંથી વધુ ૨ કોલેરાના કેસ નોંધાયા છે. સાથે સાથે આણંદ પાસેના મોગરી ગામમાં પણ ઝાડા-ઉલ્ટીનો વાવર વકરતા ત્રણ કોલેરાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.જયારે આણંદ શહેરમાં આજે ઝાલા ઉલ્ટીના વધુ ૨૧ કેસ નોંધાયા છે.જયારે પાણીના વધુ બે લીકેજ મળી આવ્યા હતા.
છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો પ્રકાશમાં આવતા અને તે પૈકી ચાર કેસ કોલેરા પોઝીટીવ માલુમ પડતા આણંદ શહેર તથા આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ૩૪ ટીમો દ્વારા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓની તપાસ, સારવાર અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદ શહેરમાં આજે ઝાડા-ઉલ્ટીના વધુ ૨૧ કેસ નોંધાતા અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના કુલ-૧૦૬ કેસ નોંધાયા છે. આજે પાણીના વધુ બે લીકેજ મળી આવ્યા હતા. સાથે સાથે ૨૯૪ પીવાના પાણીના ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે દાખલ થયેલા દર્દીઓ પૈકી બેના ટેસ્ટ કોલેરા પાઝિટિવ આવતા હવે આણંદમાં કોલેરાના કુલ કેસોની સંખ્યા છ થવા પામી છે. શહેરના સલાટીયાપુરા તથા અમૂલ ડેરી રોડ ઉપરથી કોલેરાના એક-એક પોઝીટીવ કેસ નોંધાયા છે.
આણંદ પાસેના મોગરી ગામમાં પણ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. મોગરી ગામેથી આજે કોલેરાના ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આરોગ્ય વિભાગની ૧૨ ટીમો દ્વારા મોગરી ગામે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોગરી ગામેથી આજે ૨૪ જેટલા ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા હતા. આરોગ્ય તંત્રની ટીમો દ્વારા તપાસ કરતા ૧૧ સ્થળોએ પાણીના લીકેજ જોવા મળ્યા હતા. સાથે સાથે ૧૦૦ જેટલા પીવાના પાણીના ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૫ નેગેટીવ આવ્યા હતા. ઉપરાંત પીવાના પાણીના ૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.