– મહીસાગર એસીબીએ એલસીબીની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું
– દારૂના કેસમાં આરોપીના ઘરે જઇને બે પોલીસ કર્મચારીએ 4 લાખની માગણી કર્યા બાદ 70 હજારમાં પતાવટ કરી : ફરાર પોલીસ કર્મચારીને ઝડપવા માટે પોલીસની કવાયત
બંને પોલીસ કર્મીઓએ શખ્સને રૂપિયા ૭૦ હજાર તથા એક જામીન લઈ એલસીબી ઓફીસે આવવા માટે જણાવ્યું હતું. જો કે, ફરીયાદી માંગણી કરેલા લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી મહીસાગર એસીબીની ટીમ દ્વારા બુધવારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
દરમિયાન બપોરે ફરિયાદી આણંદ એલસીબી કચેરી ખાતે લાંચની રકમ આપવા પહોંચ્યા હતા. જ્યાં ઘનશ્યામસિંહ સેંગર કચેરીએ હાજર હતા અને તેણે રૂા.૭૦ હજાર સ્વીકારતા તુરત જ મહીસાગર એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. જો કે અન્ય પોલીસકર્મી હિતેશભાઈ ચૌહાણ કામકાજ અર્થે બહાર હોવાથી ત્યાંથી નાસી ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ઝડપાયેલા પોલીસકર્મી ઘનશ્યામસિંહ સેંગરને વધુ તપાસ અર્થે આણંદ એસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા જ સમય પૂર્વે આણંદ ટાઉન પોલીસના બે પોલીસકર્મીઓ પણ પ્રોહિબીશનના ગુનામાં લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે હવે જિલ્લાની એલસીબી પોલીસના બે કર્મીઓ પણ પ્રોહિબીશનના ગુનામાં લાંચની સંડોવણીમાં હોવાનું ઉજાગર થતા ખાખી વર્દીને દાગ લાગ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં ખાનગી રાહે વિદેશી દારૂ તથા જુગારના અડ્ડા માટે પોલીસના ચોક્કસ વહિવટદારો દ્વારા વહિવટ થકી વેપલો કરાયો હોવાની ચર્ચાઓ જાગી છે. ચર્ચાતી વાતો મુજબ, આણંદ નજીકના એક ગામમાં વિદેશી દારૂના વેપારમાં અગાઉ પણ આ બંને પોલીસકર્મીઓએ લાખો રૂપિયાનો તોડ કર્યો હતો અને અવારનવાર નાણાંની માંગણી કરતા આખરે કંટાળી ગયેલી મહિલાએ આ અંગે એસીબીમાં ફરીયાદ કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.