મુંબઈ : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસે ચોખાનો સ્ટોક બફર સ્ટોકના ધોરણ કરતા સાડાત્રણ ગણો વધુ પહોંચી જતા ચોખાના નિકાસકારોએ વ્હાઈટ ચોખા તથા ટૂકડા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માગણી કરી છે. ભારતની નિકાસ બજારોમાં અન્ય દેશોનો પગપેસારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત ઉકળા ચોખા પરના ડયૂટી માળખામાં પણ ફેરબદલ કરવા રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથેની બેઠકમાં આ રજુઆત કરવામાં આવી હોવાનું રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
ઉકળા ચોખા પર હાલમાં મૂલ્યના વીસ ટકા ડયૂટી લાગુ કરવામાં આવે છે તેના સ્થાને નિશ્ચિત રકમની ડયૂટી વસૂલવા સરકારને સૂચન કરાયું છે. અન્ડરવેલ્યુએશન ટાળવા આ સૂચન આવી પડયું છે.
ઘરઆંગણે પૂરવઠો જાળવી રાખવા ભારત સરકારે ૨૦૨૨ના ઓગસ્ટમાં ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. આ ઉપરાંત ગયા વર્ષના જુલાઈમાં નોન-બાસમતિ વ્હાઈટ ચોખાની નિકાસ અટકાવી દેવાઈ હતી અને ઓગસ્ટમાં ઉકળા ચોખાની નિકાસ પર વીસ ટકા ડયૂટી લાગુ કરાઈ હતી.
ચોખાના ૧.૩૫ કરોડ ટનના બફર સ્ટોકના ધોરણ સામે એફસીઆઈ પાસે હાલમાં ૫.૦૫ કરોડ ટનનો બફર સ્ટોક છે. આ ઉપરાંત વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેવાની આગાહીને પગલે ચોખાનું ઉત્પાદન પણ ઊંચુ રહેવા અપેક્ષા છે.
ભારતની જે નિકાસ બજારોમાં હાજરી છે ત્યાં વિયેતનામ, થાઈલેન્ડ તથા મ્યાનમારના નિકાસકારો પગપેસારો કરી રહ્યા હોવાનો પણ સુત્રોએ દાવો કર્યો હતો.