– સોફ્ટવેરના વાંકે લોકો જન્મ-મરણના દાખલા મેળવવા માટે ધક્કા ખાય છે
– રાજ્યવ્યાપી સમસ્યા છતાં સરકાર ઉકેલ શા માટે લાવતી નથી ? લોકોમાં ઉઠતો પ્રશ્ન
સરકાર ડિજિટલાઈઝેશનની વાતો કરી રહી છે અને હાલ ઘણીખરી સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામગીરી કરાવવામાં આવી રહી છે પરંતુ સોફ્ટવેર ધીમા ચાલતા સામાન્ય બાબતોમાં પણ લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. આવુ જ હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યુ છે.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ઇ-ઓળખ સોફ્ટવેર છેલ્લા ૨૧-૨૧ દિવસથી ધીમુ ચાલી રહ્યું છે. તેના કારણે જન્મ-મરણના દાખલા ઈસ્યુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે ભાવનગર મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં અરજીઓનો થપ્પો થયો છે અને પેન્ડીંગ અરજીનો આંકડો અંદાજે ૧૫૦૦ સુધી પહોંચ્યો છે. ઈ-ઓળખ સોફ્ટવેર આટ-આટલા દિવસથી ધીમું ચાલી રહ્યું છે અને તેના કારણે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં જન્મ-મરણના ઓનલાઈન કઢાવવા માટે ઇ-ઓળખ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. આમ, આ સોફ્ટવેરમાં ધાંધિયાના કારણે રાજ્યવ્યાપી સમસ્યા છે. મરણનું પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં માટે આ સોફ્ટવેરમાં એન્ટ્રી કરતી વખતે ૨૦ જેટલા ખાના ભરવાના હોય છે. પરંતુ ૧૫-૧૭ ખાના માંડ ભરાય ત્યાં લોગ આઉટ થઈ જવાય છે. આમ, વારંવાર લોગ આઉટ થઈ જવાતું હોવાથી સ્ટાફને પણ મુંઝવણ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા લેવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ સોફ્ટવેરના ધાંધિયાથી દાખલા મળવામાં વિલંબ થવાથી અરજદારોની મોટી કતાર લાગે છે. લોકોને સવાલ થઈ રહ્યો છે કે, રાજ્યવ્યાપી સમસ્યા હોવા છતાં ૨૧-૨૧ દિવસ સુધી સમસ્યા ન ઉકેલાય એ કેવું ? સમસ્યાનો સત્વરે ઉકેલ કેમ લવાતો નથી ?