– મોદી-રાહુલે મળી બિરલાનું સ્વાગત કરી સ્પીકરની ખુરશી પર બેસાડયા
– વિપક્ષને દબાવીને રાખવો લોકશાહી વિરુદ્ધ, જનતા પણ ઇચ્છે છે કે અમે સંસદમાં અવાજ ઉઠાવીએ : રાહુલ
– સ્પીકરે માત્ર વિપક્ષ જ નહીં સત્તાપક્ષ પર પણ અંકુશ રાખવો જોઇએ, તમામને સરખી તક મળવી જરૂરી : અખિલેશ
નવી દિલ્હી : કેન્દ્રની સત્તાધારી એનડીએના ઉમેદવાર ઓમ બિરલા ફરી એક વખત લોકસભાના સ્પીકરપદે ચૂંટાયા હતા. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી. વર્ષો બાદ પ્રથમ વખત એવુ જોવા મળ્યું હતું કે લોકસભાના સ્પીકરપદ માટે વિપક્ષે પણ પોતાના ઉમેદવાર કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે એનડીએ પાસે બહુમત હોવાથી વિપક્ષના કે સુરેશ હાર્યા હતા. હવે તમામની નજર લોકસભાના ડેપ્યુટી સ્પીકરપદ પર છે. એવા અહેવાલો છે કે વિપક્ષ આ પદ માટે પણ પોતાના ઉમેદવાર જાહેર કરશે. હાલમાં ઓમ બિરલાએ લોકસભાના સ્પીકરનુ પદ સંભાળી લીધુ હતું.
જીત બાદ સ્પીકર ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ બિરલાનું સ્વાગત કરતા કહ્યું હતું કે તમારુ હાસ્ય દિલને સુકુન આપનારુ છે. સ્પીકર તરીકેનો આપનો અગાઉનો કાર્યકાળ સ્વર્ણિમ હતો અમને આશા છે કે આ વખતે પણ તમે અગાઉ જેવુ જ નેતૃત્વ કરતા રહેશો. જે બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું, રાહુલે કહ્યું હતું કે સરકાર પાસે રાજકીય તાકત છે, જ્યારે વિપક્ષ પણ ભારતનો જ અવાજ ઉઠાવે છે. અગાઉ કરતા વિપક્ષની તાકત આ વખતે વધુ છે. વિપક્ષ સ્પીકરની સાથે મળીને સંસદ ચલાવવાની તરફેણમાં જ છે. ચૂંટણીએ સાબિત કર્યું કે દેશની જનતા ઇચ્છે છે કે બંધારણનું રક્ષણ થાય. અમને આશા છે કે સ્પીકર ઓમ બિરલા વિપક્ષને બોલવાની તક આપીને બંધારણની રક્ષા કરશે. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીએ સ્પીકરને લઇને કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષનો અવાજ દબાવીને સંસદ ચલાવવી લોકશાહી વિરુદ્ધ છે.
રાહુલ ગાંધી બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બોલવાનું શરૂ કર્યું હતું, તેમણે કહ્યું હતું કે સ્પીકરે માત્ર વિપક્ષ જ નહીં સત્તા પક્ષ પર પણ અંકશુ રાખવો જોઇએ. લોકસભામાં તમામને બોલવાની પુરતી તક મળવી જોઇએ. કટાક્ષ કરતા અખિલેશે કહ્યું હતું કે આ નવુ સંસદ ભવન છે અમને આશા હતી કે સ્પીકરની ખુરશી ઉંચી હોય, પણ એવુ ના જોવા મળ્યું. તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે ગત લોકસભામાં સ્પીકર ઓમ બિરલા દ્વારા વિપક્ષના અનેક સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરી દેવાના નિર્ણયને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે સ્પીકર સત્તાધારી પક્ષ અને વિપક્ષ બન્નેને સરખી તક આપશે કોઇ ભેદભાવ નહીં કરે.
૧૮મી લોકસભાના સ્પીકરની પસંદગી બાદ હવે સત્ર આગળ ધપાવવામાં આવશે, ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદને સંબોધીને નવી સરકારના આગામી કામકાજને જનતા સમક્ષ રજુ કરે તેવી શક્યતાઓ છે. રાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભાને નવી સરકારમાં પ્રથમ વખત સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અને રાજ્યસભાના પ્રિસાઇડિંગ ઓફિસર રાષ્ટ્રપતિ મુર્મુનું સંસદમાં સ્વાગત કરશે. બંધારણના આર્ટિકલ ૮૭ મુજબ જ્યારે પણ નવી સરકાર રચાય ત્યારે સંસદમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ દ્વારા સંસદના સંયુક્ત સત્રને સંબોધવામાં આવે છે.