– મૂળ ફિલ્મની ઠઠ્ઠા ઉડાડતું હોય તેવું ટ્રેલર
– ચાહકોને સંવાદોમાં દિગ્દર્શક શંકરની ફિલ્મોનાં રાઈટર સુજાતાની ખોટ સાલી
મુંબઇ : કમલ હાસનની ‘ઈન્ડિયન ટૂ’ના ટ્રેલરથી ચાહકો ભારે નિરાશ થયા છે. તેમને દિગ્દર્શક શંકર તથા કમલ હાસન માટે ભારે અપેક્ષાઓ હતી. પરંતુ, મોટાભાગના ચાહકો હવે આ ટ્રેલર માટે નેગેટિવ રિવ્યૂ આપી રહ્યા છે. કેટલાય લોકોએ કહ્યું છે કે મૂળ ‘ઈન્ડિયન’ ફિલ્મની ઠઠ્ઠા ઉડાડતું હોય તેવું નિરાશાજનક ટ્રેલર છે.
ઘણા યુઝર્સોએ તો પાત્રોના મેકઅપને જ વખોડી કાઢ્યો છે. તેમને આશ્ચર્ય થયું છે કે, કમલ હાસન અને શંકર કઇ રીતે આ લૂકથી સંતુષ્ટ છે ? ૧૯૯૬માં આવેલી મૂળ ફિલ્મ ‘ઇન્ડિયન’ ની સરખામણીમાં આ ટ્રેલર ઉતરતી કક્ષાનું જણાય છે. કેટલાકે તો શંકર હવે આઉટડેટેડ થઈ ચૂક્યા હોવાનું કહ્યું હતું.
અનેક યૂઝર્સએ શંકરની અનેક ફિલ્મોનાં રાઈટર સુજાતાને યાદ કર્યાં હતાં. સુજાતાનું ૨૦૦૮માં નિધન થઈ ચૂક્યું છે. યૂઝર્સના જણાવ્યા અનુસાર ‘ઈન્ડિયન ટૂ’ના સંવાદોમાં સુજાતાના સ્પર્શનો અભાવ વર્તાય છે. કેટલાક યૂઝર્સે લખ્યું હતું કે પાછલી ફિલ્મ કરતાં અનેકગણું બજેટ અને વધુ એક્શન દૃશ્યો છતાં આ ફિલ્મમાં લેખકની કમાલ દેખાતી નથી.