મુંબઈ : ક્રેડિટ કાર્ડસ મેળવનારાઓને કાર્ડસના નેટવર્કની પસંદગીનો વિકલ્પ પૂરો પાડવાના રિઝર્વ બેન્કે જાહેર કરેલા ધોરણથી મુંઝવણમાં મુકાયેલી બેન્કો આ મુદ્દે રિઝર્વ બેન્ક તરફથી કેટલીક સ્પષ્ટતા ઈચ્છી રહી છે. રિઝર્વ બેન્કનું નવું ધોરણ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪થી લાગુ થઈ રહ્યું છે.
માર્ચમાં જારી કરેલી એક માર્ગદર્શિકા મારફત રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડસ મેળવવા માગતા હોય તેમને નેટવર્કની પસંદગી કરવાનો વિકલ્પ પૂરો પાડવા બેન્કો માટે ફરજિયાત બનાવ્યું છે.
બેન્કો અને નાણાં સંસ્થાઓએ કાર્ડસ જારી કરતી વખતે અને રિન્યુ કરતી વખતે ગ્રાહકોને નેટવર્કની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે. જો કે રિન્યુઅલ્સ વખતે આ નિયમ લાગુ કરવાથી વેપાર કામકાજ ખોરવાઈ જવાની શકયતા હોવાની બેન્કો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.
હાલના કાર્ડધારકોને ગ્રાહકોની રૂ.પરેખા, કો-બ્રાન્ડિંગ વ્યવસ્થ તથા પ્રાઈસિંગ લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
કો-બ્રાન્ડેડ કાર્ડસને નવા ધોરણો લાગુ થશે કે નહી ંતેની રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી. કો-બ્રાન્ડ પાર્ટનર્સ સાથે લાંબા ગાળાના કરાર તથા ફીસ પર અસર તથા કાર્ડધારકોને પૂરા પડાતા અન્ય લાભો જટિલ મુદ્દાઓ છે જેના પર વિચારણા થવી જરૂ.રી હોવાનું ઈન્ડિયન બેન્કસ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
ક્રેડિટ કાર્ડસ જારી કરતી બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ કાર્ડ નેટવર્ક સાથે એવા કોઈ કરાર નહીં કરવા જેને પરિણામે અન્ય કાર્ડ નેટવર્કસની સેવા લઈ શકાય નહીં એમ આરબીઆઈની માર્ગદર્શિકામાં જણાવાયું છે.
કાર્ડ જારી કરનારા અને કાર્ડ નેટવર્ક વચ્ચેની હાલની વ્યવસ્થા એટલી સાનુકૂળ નથી જેમાં ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ મળી રહે છે, એવી હકીકત ધ્યાનમાં આવ્યા બાદ રિઝર્વ બેન્કનું આ પગલું આવી પડયું છે.
જે નેટવર્કના ૧૦ લાખથી ઓછા સક્રિય કાર્ડસ છે તેમને આ ધોરણમાંથી બાકાત રખાયા છે. દેશમાં હાલમાં ક્રેડિટ કાર્ડસની સંખ્યા ૧૦ કરોડથી પણ વધુ છે.