Shortage Of Teachers In Gujarat School: ગુજરાતમાં આજથી (27મી જૂન) શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. સરકારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણનો ધૂમ પ્રચાર શરૂ કર્યો છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં ખખડધજ શાળાઓ પડપડુ છે. આખીય શાળામાં એક જ શિક્ષક છે. 40 હજારો શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે. આ ઉપરાંત 38 વર્ગખંડની અછત છે આવી કથળેલી પરિસ્થિતીમાં પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવી રહ્યા છે જેની મજાક ઊડી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે માળખાકીય પુરતી સુવિધા નથી
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. તેવી ડીંગ હકવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણની સ્થિતી વધુને વધુ કથળી રહી છે. સરકાર એવો પ્રચાર કરી રહી છે કે, વિદ્યાર્થીઓને શિક્ષણની તક મળે. પરંતુ શહેરોને બાદ કરતાં આજે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે માળખાકીય પુરતી સુવિધા નથી. ગુજરાતમાં આજે 1461 શાળા એવી છે, જ્યાં એક જ વર્ગ કાર્યરત છે. 14562 શાળાઓ એવી છે, જેમાં એક વર્ગમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: NEET પેપર લીક કૌભાંડ દ્વારા 700 વિદ્યાર્થીને ટારગેટ બનાવી 300 કરોડની કમાણી કરાયાનો ઘટસ્ફોટ
રાજ્યમાં 38 હજાર વર્ગખંડોની અછત છે. 3353 શાળામાં 10698 ઓરડા જર્જરીત અવસ્થામાં છે. આ પરિસ્થિતી વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતાં હશે તે અંગે સવાલ ઉઠ્યાં છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવામાં આવ્યુ હતું. તેનુ કારણ એ છે કે, 40 હજાર શિક્ષકોની ઘટ છે. છતા સરકારને ભરતી કરવામાં રસ નથી. એવુ જાણવા મળ્યુ છે કે, ડેડિયાપાડામાં કેટલીય શાળાઓ એવી છે, જ્યાં એક શિક્ષક છે. આ એક શિક્ષક તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવતા હશે તેની કલ્પના કરવી રહી. બીજી તરફ ગોધરામાં વાવડી પ્રાથમિક શાળા જર્જરીત અવસ્થામાં છે. જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ પડું પડું વર્ગખંડ શિક્ષકો અને બાળકો માટે યમદૂત બની શકે છે. ઘણાં ઠેકાણે તો બાળકો ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે.
સરકાર નવા વર્ગખંડોની વાતો કરે છે. પરંતુ જર્જરીત નવા વર્ગખંડાના શાળા-વર્ગખંડોના સમારકામ માટે પણ ધ્યાનન અપાતુ નથી. દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજીને મંત્રીઓ ઉપરાંત આઈએએસ, આઈપીએસને વિવિધ જિલ્લામાં મોકલીને શિક્ષણનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ સરકાર શિક્ષણ માટે માળખાકીય સુવિધામાં સુધારો કરતી નથી. દર વર્ષે શિક્ષણ સુધારાણાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવામાં આવે છે. તેમ છતા ગામડાઓમાં શાળા શિક્ષણમાં સુધારો તઈ શક્યો નથી. ટુંકમાં સરકારને જાણે શિક્ષણનું સ્તર સુધારવામાં રસ નથી. પણ પ્રવેશોત્સવ યોજીને દેખાડો કરવામાં વધુ રસ છે.