– ઠાસરાના અકલાચાથી રાણિયા તરફ
– ભૂમાફિયાઓએ 10 થી વધુ નાળા નાખી બનાવેલા રસ્તા મારફતે નદીમાંથી બેરોકટોક ગેરકાયદે ખનન શરૂ
મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાની સરહદ પરથી મહીસાગર નદી પસાર થાય છે. નદીમાં બ્લેક ટ્રેપ અને રેતીની લીઝો વિભાગ દ્વારા નિયમો અનુસાર અપાયેલી હોય છે, પરંતુ આ કાયદેસરની લીઝો સિવાય અનેક ભૂમાફીયાઓ દ્વારા તંત્રના મેળાપીપણામાં મહીસાગર નદીમાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં બેફામ ખનન કર્યુ છે.
આ તરફ આ ખનન પ્રવૃતિને વેગ આપવા માટે ૧૫ કિલોમીટ ઉપરાંતનો ગેરકાયદે રસ્તો નદીના પટ પર બનાવી દેવાયો છે, તેમજ નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે નદીમાં વચ્ચે મોટા ભૂંગળા નાખી અને તેની પર નાળા બનાવી દેવાયા છે. નદીમાંથી ખનન કરીને કરોડો રૂપિયાના કાળા પથ્થરો અને રેતી કાઢી વ્યાપાર કરી નાખવામાં આવ્યો છે.
ભૂમાફીયાઓ દ્વારા ઠાસરાના અકલાચાથી રાણીયા તરફ નદીના પટમાં ૧૫ કિલોમીટરનો ગેરકાયેદસર રસ્તો બનાવાયો છે અન આ સાથે જ ૧૦થી વધુ નાળા બનાવવામાં આવ્યા છે. જ્યાંથી માલસામાનું વહન થતું હતું અને હાલ જ્યાં ખનન કરાયુ છે, તેવા નદીના અનેક વિસ્તારોમાં મોટા ખાડા પાડી દેવાયા છે. આ તમામ બાબતોથી ખેડા જિલ્લા ખાણ-ખનીજ વિભાગ વાકેફ હોવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. ત્યારે વરસાદ પડે તે પહેલા જો અહીંયા તપાસ કરવામાં આવે તે જરૂરી છે, કારણ કે, વરસાદ પડયા બાદ આ રસ્તા અને નાળા ધોવાઈ જાય અને ખાડાઓ પણ સમતલ થઈ જાય તેવી શક્યતાઓ છે.