back to top
Homeસૌરાષ્ટ્રજયુસના બ્હાને દારૂ ભરીને પહેલી વખત ભાવનગર આવેલાં ડ્રાઈવરે આરામ કરવા ટ્રક...

જયુસના બ્હાને દારૂ ભરીને પહેલી વખત ભાવનગર આવેલાં ડ્રાઈવરે આરામ કરવા ટ્રક થંભાવ્યો અને આબાદ ઝડપાયો

– સ્ટેટ મોનિટરિંગ સેલને બેવડી સફળતા મળી : ભાવનગર પોલીસની સાથોસાથ ડ્રાઈવર પણ ઊંઘતો ઝડપાયો 

– હરિયાણાના અંબાલાથી રૂ. 35.47 લાખના દારૂનો મસમોટો જથ્થો ભરીને આવેલા ડ્રાઈવર પાસેથી મળી આવેલી પાવતીના આધારે શંકાના આધારે તપાસનો દૌર તળાજા સુધી લંબાવ્યો

ભાવનગર : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગર પોલીસને ઊંઘતી રાખી ભાવનગરના પ્રવેશદ્વાર નજીકથી આબાદ ઝડપી પાડેલાં રૂ.૩૫.૪૭ લાખના દારૂ ભરેલાં ટ્રક સાથેે ઝડપી પાડેલાં ડ્રાઈવરને પણ ઊંઘતો ઝડપી પાડયો હતો. ઝડપાયેલાં ડ્રાઈવરે પોલીસ પૂછપરછમાં અનેક રહસ્યસ્ફોટ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે એવી હકિકત જાહેર કરી હતી કે,હોટેલ પાસે તે ટ્રકને પાર્ક કરીને સુતો હતો. ત્યાં થોડી જ ક્ષણોમાં પોલીસ ત્રાટકી હતી. અને ટ્રકની તપાસ કરી તેમાંથી સફરજનનું જ્યુસ ભરેલાં જથ્થાના બદલે દારૂનો જથ્થો નિકળ્યો હતો. જો કે, ટ્રકમાં દારૂનો જથ્થો હોવા અંગે ડ્રાઈવર ખુદ અજાણ હોવાનો તેણે પોલીસ પૂછપરછમાં દાવો કર્યો હતો. જ્યારે,જયુસના નામે દારૂની ખેપ મંગવાનાર વરતેજના બે નામચીન શખ્સ, દારૂ મોકલનાર, ટ્રક માલિક અને ડ્રાઈવર સહિત સાત શખ્સ સામે વરેતજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સરજાહેર ચીરહરણની ચકચારી ઘટનાની વિગત એવી છે કે,  બાતમીના આધારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ(એસએમસી)ની ટીમે ભાવનગરના પ્રવેશદ્વાર સમાં નારીચોકડીથી વરતેજ વાયા સિદસર જતા રોડ પર આવેલી સીતારામ આઈમાતા હોટલ નજીક ગત મંગળવારે દરોડો પાડી હોટલના પાકગમાં પાર્ક કરાયેલ ટ્રકમાંથી સફરજનના જ્યુસની આડમાંથી ઈંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હતો. એસએમસીએ વિદેશી દારૂની નાની-મોટી ૧૯,૩૫૬ બોટલો કે જેની કિ.રૂા.૩૫,૪૭,૨૦૦, એક ટ્રક, બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૫૫.૫૭ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બળવંતસિંઘ દિલબાગસિંઘ જાંગરા ( રહે. ભાલારી,તા.નંઘલ,જિ.રૂપનગર,પંજાબ)ને ઝડપી લીધો હતો.ઝડપાયેલા ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરાતા કાલુનીલ ભાંખોથરા (રહે, જયપુર,રાજસ્થાન) અને અનિલ જગદીશ પંડયા (ફતેપુર,જિ.સિકાર,રાજસ્થાન) નામના શખ્સોએ મળી હરિયાણાના અંબાલા ખાતેથી દારૂનો જથ્થો ભરી વરતેજના બે બુટલેગર સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દિગપાલસિંહ મહાવીરસિંહ સરવૈયાને પહોંચાડવાકહ્યું હતું. પરંતુ બુટલેગરો સુધી દારૂ પહોંચે તે પૂર્વે જ વરતેજથી નજીક તે દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. 

જેના આધારે એસએમસીના હે.કો. એમ.એચ. મકવાણાએ ઝડપાયેલા ટ્રકચાલક શખ્સ બલવંતસિંઘ દીલબાગસીંઘ જાંગરા, દારૂનો જથ્થો ભરી ટ્રક આપી જનાર અને માર્ગદર્શન આપનાર મોબાઈલ નં.૭૩૪૭૮૯૦૯૫૮ ધારક શખ્સ, કાલુનીલ ભાખોથરા, અનિલ પંડયા, સંજયસિંહ ઉર્ફે ભાણુભા સરવૈયા, કુમારસિંહ ઉર્ફે દિગપાલસિંહ ગોહિલ, ટ્રક નં.એચપી.૧૨.જી.૬૨૬૫નો માલિક સહિત સાત શખ્સ સામે વરતેજ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ ફરિયાદ નોંધી વરતેજના બન્ને બુટલેગર સહિત સાત શખ્સ અને તપાસમાં ખુલે તે અન્ય ઈસમોની શોધખોળ હાથ ધરી છે.

લાખો રૂપિયાની કિંમતના દારૂ સાથે ઝડપાયેલા ટ્રક ડ્રાઈવર બલવંતસીંઘ જાંગરાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતે એક માસથી બેકાર હોય, જેથી તેના મિત્ર મોનુએ મોબાઈલ નંબર આપી અંબાલા મોકલ્યો હતો. ત્યાંથી કાલુનીલ ભાખોથરા અને અનિલ પંડયાએ સફરજનના જ્યુશ ભરેલો ટ્રક લઈને ગુજરાતના ભાવનગર જવાનું કહ્યું હતું.તેણે ગુજરાત જોયું ન હોવાનું કહેતા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં મોકલવામાં આવતા લોકેશનના આધારે ટ્રક ચલાવી ભાવનગર પહોંચવા કહ્યું હતું. દરમિયાનમાં અંબાલા વાયા નારનોલ, રાજસ્થાનના જયપુર, આબુ, પાલનપુર, અમદાવાદ, બગોદરા થઈ ભાવનગર ખાતે લોકેશન મુજબ ત્રણ રસ્તા ભેગા થતા હોય, ત્યાં પહોંચતા ઊંઘ આવવાથી તેણે સીતારામ આઈમાતા હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી ટ્રકમાલિકને ભાવનગર પહોંચી ગયાનું જણાવ્યું હતું. અને પોતે આરામ કરવા ઉભો હોવાની જાણ કરી હતી. ત્યાં જ પોલીસ ત્રાટકી હોવાની કબૂલાત આપી હતી. વરતેજ પોલીસ મથકના પી.એસ.આઈ. તપાસનીસ અધિકારી રબારીએ જણાવ્યું હતું કે,પોલીસને ડ્રાઈવરની તલાશી તેના કબ્જામાંથી એક બિલ્ટી( બિલ અથવાી તો માલ અંગેની રસિદ) મળી આવી હતી.પોલીસે દારૂનો આ જથ્થાનું કનેકશન તળાજા સુધી હોવાની શંકાના આધારે આ દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉપરાંત, દારૂ મંગાવનાર વરતેજના બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

‘નશા ત્યાગે જિંદગી નહીં’ ટ્રકની બોડીમાં સુફિયાણા સુવાક્યો, છતાં ગોરખ ધંધા

એસએમસીની ટીમે દારૂની ૧૯,૩૫૬ બોટલ સાથે ઝડપેલા ટ્રકની તપાસ કરતા ટ્રકની લોડીંગ બોડીના પડખાના ભાગે હિન્દીમાં ‘નશા ત્યાગે જિંદગી નહીં’ જેવા સુફિયાણા સુવાક્યો લખેલા જોવા મળ્યા હતા. પરંતુ હકીકત તેનાથી અલગ જ હોય તેમ ટ્રકનો માલિક દેખાડા માટે આવા સુવાક્યો ટ્રકમાં લખાવતો હોય, તેની પાછળ જ દારૂની હેરાફેરીના ગોરખ ધંધા પણ કરતો હોવાની હકીકત બહાર આવી હતી.

ડ્રાઈવર 9 દિવસના રિમાન્ડ પર 

હરિયાણાના અંબાલાથી ભાવનગરમાં ઘૂસાડાઈ રહેલા લાખો રૂપિયાના દારૂ ભરેલા ટ્રક સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયેલો ટ્રક ડ્રાઈવર બલવંતસિંઘ દીલબાગસિંઘ જાંગરા નામના શખ્સને વરતેજ પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું તપાસનીસ અધિકારી પીએસઆઈ એમ.વી.રબારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments