ન્યૂયોર્ક,૨૭ જૂન,૨૦૨૪,ગુરુવાર
બ્રિટનમાં જેલમાંથી મુકત થયેલા વિકિલિકસના ફાઉન્ડર અને વિવાદાસ્પદ ભાંડાફોડ ઓસ્ટ્રેલિયન જર્નાલિસ્ટ જુલિયન અસાંજને અમેરિકાના સાઇપાન ટાપુ પરની કોર્ટે ૫ વર્ષ જેલની સજા ફટકારી છે. જો કે સજા માટેનો સમયગાળો પહેલાથી જ જેલમાં કાપી લીધો હોવાથી ફરી જેલમાં જવું પડશે નહી. જુલિયન અસાંજેએ કોર્ટંમાં પોતે કરેલા ગુનાને કબૂલી લીધા પછી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
જુલિયનને પૂર્વ મંજુરી વિના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જૂલિયન પોતાના પરના કોર્ટ કેસની સુનાવણી માટે અમેરિકા જવા ઇચ્છતા ન હતા. અમેરિકાની સરકાર સાથે સમજૂતી છતાં ધરપકડ થવાનો ડર લાગતો હતો. આથી ઓસ્ટ્રેલિયાની નજીક આવેલા સાઇપન ટાપુની કોર્ટમાં સુનાવણી ગોઠવવામાં આવી હતી.
પશ્ચિમી મહાસાગરમાં સ્થિત સાઇપાન દ્વીપ અમેરિકાના નોર્ધન મરિયાના આઇલેન્ડ કૉમનવેલ્થનો હિસ્સો છે. આસપાસના દ્વીપોમાં સૌથી મોટો અને વિકસિત છે. સાઇપાન એક એવું પર્યટક સ્થળ જયાંના દરિયાકાંઠે વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ વેકેશન માણવા આવે છે. આલીશાન રેસ્ટોરન્ટ, હોટલ, નાઇટ કલબ, મોલ અને ગોલ્ફ કલબનો સમાવેશ થાય છે.
૨૦૨૦ની અમેરિકી જનગણના મુજબ સાઇપાનની વસ્તી ૪૩૩૮૫ લોકોની છે જે વર્ષ ૨૦૧૦ કરતા ૪૮૦૦ જેટલી ઓછી છે. સાઇપાનનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી સ્થિર તાપમાન ધરાવતા સ્થળ તરીકે નોંધાયેલું છે. સાઇપાન ટાપુ પરવધુમાં વધુ તાપમાન ૩૧.૪ ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ રહે છે.