Jamnagar News : જામનગરની 108 ની ટીમે ફરજ નિષ્ઠાની સાથે સાથે પ્રમાણિકતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે, અને એક દર્દીને તેઓની 40,000 ની રકમ પરિવારને બોલાવીને સુપ્રત કરી દઇ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જામનગરમાં આજે સવારે 9.00 વાગ્યે સેન્ટ્રલ બેન્ક રોડ પર 90 વર્ષના ઉમર લાયક બુઝુર્ગ રોડ પર અચાનક બેશુદ્ધ બન્યા હતા. દરમિયાન ત્યાથી પસાર થયેલા રાહદારીએ 108ની ટીમને જાણ કરતાં સમર્પણ લોકેશન પર હાજર રહેલા ઇએમટી વંદનાબેન સોલંકી અને પાયલોટ ગર્જેન્દ્રસિંહ જાડેજાએ યુદ્ધના ધોરણે ત્યાં પહોચી જઈ બેભાન હાલતમાં રહેલા બચુભાઈ કરશનભાઈ ચાંન્દ્રાને તાત્કલિક પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ખસેડવાની જરૂર પડતાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
જે દરમિયાન તેઓની પાસેથી 40,000 ની રોકડ રકમ મળી આવી હતી. જે 108 ની ટીમ દ્વારા દર્દીના સગાનો સંપર્ક કરી તેમના પુત્ર હાર્દિક ચાંદ્રાને ટેલિફોન કરીને બોલાવી લેવાયા હતા, અને તેઓને ઉપરોક્ત રકમ સુપ્રત કરી દીધી હતી. જેથી હાર્દિક ચાંદ્રા દ્વારા 108 ની ટીમનો આભાર માન્યો હતો, અને તેઓએ 108 ની આ કામગીરીને બિરદાવી હતી.