વડોદરા,તરસાલીમાં ચાર દિવસ અગાઉ રોડ ઓળંગતા યુવાનને અડફેટે લઇ ભાગી જનારને મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે. પોલીસે ૨૫ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. કરજણ ટોલનાકાના સીસીટીવી ફૂટેજના આધારે કારનો નંબર મેળવી આરોપી સુધી પહોંચી હતી.
બનાવની વિગત એવી છે કે, તરસાલી રામ નગરમાં રહેતો ૧૯ વર્ષનો વિનય રમેશભાઇ રોહિત આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. ગત તા. ૨૩ મી એ મોડી રાતે ગણેશ મંડળનું કામ કરતા યુવકો માટે પાણી લેવા માટે તરસાલી એસ્સાર પેટ્રોલપંપ પાસે રોડ ક્રોસ કરીને સામે ગયો હતો. તે સમયે એક કાર ચાલકે તેને ટક્કર મારતા કપાળ અને ડાબા હાથે ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત પછી ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ મકરપુરા પોલીસે શરૃ કરી હતી. મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે અકસ્માત સ્થળથી આગળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ કાર દેખાઇ હતી. તે કાર વિજય નગર સોસાયટીમાં અંદર ગઇ હતી. જેથી, પોલીસે વિજયનગરમાં આ પ્રકારની કાર કોની છે ? તેની વિગતો મેળવી હતી. દરમિયાન આ કાર સેલવાસમાં સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરતા યુવક પાસે હોવાનું જાણવા મળ્યું હતું. કાર ચાલક રાતે જ ઘરંથી નીકળી ગયો હતો. સેલવાસ જવા માટે કરજણ ટોલનાકું ક્રોસ કરવું પડે છે. જેથી, મકરપુરા પોલીસે કરજણ ટોલનાકાના ફૂટેજ ચેક કરતા આ કારનો નંબર મળી આવ્યો હતો. તેના આધારે પોલીસે કાર ધવલ જેન્તિભાઇ પટેલ (રહે. વિજય નગર, તરસાલી) ને ઝડપી પાડયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, ધવલ બ્રેક મારવા ગયો પરંતુ,તેનો પગ એક્સિલેટર પર પડી જતા કારની સ્પીડ વધી ગઇ હતી.