અમદાવાદ,
ગુરૂવાર
શહેરના થલતેજ અને આંબાવાડીમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવીને
રૂપિયા ૨૩ લાખની રોકડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં સૌથી ચોંકાવનારી
બાબત એ છે કે પરિવારના સભ્યો ઘરમા ંસુતા હતા. તે સમયે તસ્કરોએ ઘરમાંથી ચોરી કરી હતી.
હાલ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. શહેરમા થલતેજમાં આવેલા નિરાંત પાર્કમાં રહેતા વિશ્વાસ દેસાઇએ
વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રાજેશભાઇએ તેમની મહેસાણા નાગલપુર
પાસે આવેલી એક હોટલના કલેક્શનના ૧૪.૮૦ લાખ રૂપિયા ઘરમાં મુક્યા હતા. બાદમાં તે ધંધાકીય કામ માટે સુરત ગયા હતા. બુધવારે સવારે વિશ્વાસ અને પરિવારના અન્ય સભ્યો જાગ્યા ત્યારે
જોયુ તો એક રૂમની તિજોરી તુટેલી હતી અને તેમાંથી રૂપિયા ૧૪.૮૦ લાખની રોકડ ભરેલી થેલી
ગાયબ હતી. અન્ય બનાવમાં આંબાવાડી માણેકબાગ
સોસાયટી પાસે આવેલી તપોવન સોસાયટીમાં રહેતા જીગ્નેશ ગાંધી અને તેમના પત્ની મંગળવારે
રાતના તેમના બંગ્લાના પહેલા માળના બેડરૂમમાં
સુતા હતા. આ દરમિયાન વહેલી સવાર સુધીમાં કોઇ વ્યક્તિ અન્ય બેડરૂમમાંથી રૂપિયા
આઠ લાખની રોકડ ભરેલા બે લોકરની ઉઠાંતરી ગયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ
શરૂ કરી છે.