Image: Facebook
Rohit Sharma on Inzamam Ul Haq: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંજમામ ઉલ હકે ભારતીય ટીમને લઈને અમુક એવા આરોપ લગાવ્યાં છે જેને વર્લ્ડ ક્રિકેટમાં હોબાળો મચાવી દીધો છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટને રોહિત એન્ડ કંપની પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. જેને લઈને હવે કેપ્ટન રોહિત શર્માએ જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને એક ઈન્ટરવ્યૂમાં અર્શદીપ સિંહને લઈને સવાલ ઊભા કર્યાં અને કહ્યું હતું કે ‘જ્યારે અર્શદીપ 15મી ઓવર કરી રહ્યો હતો તો બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. નવી બોલ આટલી ઝડપથી રિવર્સ સ્વિંગ થતી નથી. તેનો અર્થ એ છે કે બોલને 12મી-13મી ઓવર સુધી આ માટે તૈયાર કરી દેવાયો હતો. આ બોલ રિવર્સ સ્વિંગ માટે તૈયાર હતો. અમ્પાયરોએ પોતાની આંખો ખુલ્લી રાખવી જોઈએ’.
હવે આ આરોપોને લઈને કેપ્ટન રોહિત રોષે ભરાયો છે. ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ મેચ પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિતને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો કેપ્ટને આની પર પ્રતિક્રિયા આપી અને જે વાતો કરી તેણે પાકિસ્તાની દિગ્ગજના હોશ ઉડાવી દીધા હશે. રોહિતે કહ્યું, ‘હવે શું જવાબ આપુ આનો ભાઈ, વિકેટ ઘણી સૂકાયેલી હોય છે. તમામ ટીમોને રિવર્સ સ્વિંગ મળી રહી છે. તમારે તમારું મગજ ખુલ્લુ રાખવાની જરૂર છે. આ ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ નથી. હુ આ જ કહીશ’.
રોહિત શર્માનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે સુપર 8 માં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય બોલર્સે ટી20 વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોની હાલત બગાડી દીધી. બીજી તરફ પાકિસ્તાનની ટીમ સુપર 8 સ્ટેજ સુધી પણ પહોંચી શકી નથી. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટની ખૂબ ટીકા થઈ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનના આવા નિવેદને એક વાર ફરી પાકિસ્તાનની મજાક ક્રિકેટ જગતમાં ઉડાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સેમિ ફાઈનલ 27 જૂને ભારતના સમય અનુસાર રાત્રે 8 વાગે રમાશે. ગયાનામાં આ મેચ રમાવાની છે.