ડ્રગ ઈન્સ્પેક્ટરની ઓફિસમાં જ છટકું
ક્લોઝર નોટિસ પાછી ખેંચવા માટે મેડિકલ સ્ટોર સંચાલક પાસે લાંચ માગી હતી
મુંબઈ : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે મહિલા ડ્રગ ઈન્સ્પેક્ટર અને અન્ય એક વ્યક્તિની કથિત રીતે રૃા.એક લાખની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીમાં ડ્રગ ઈન્સ્પેક્ટર આરતી શિરીષ કાંબળી અને ખાનગી વ્યક્તિ કૃષ્ણકુમાર આસારામ તિવારીનો સમાવેશ છે.
એસીબીએ જણાવ્યું હતું કે ‘નાલાસોપારામાં મેડિક્લ સ્ટોર ધરાવતા યુવકે નોંધાયેલી ફરિયાદના આધારે ડ્રગ ઈન્સ્પેક્ટરની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યા બાદ તેમને પકડવામાં આવ્યા હતા.
ફરિયાદીના મેડિક્લ સ્ટોર સામે કડક પગલા ન લેવા માટે લાંચ માંગવામાં આવી હતી. ડ્રગ ઈન્સ્પેક્ટર આરતી કાંબળીએ મેડિક્લ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં તેને સ્ટોરમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું માલૂમ પડયું હતું. કાંબળીએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ હેઠળ કાર્યવાહી કરી હતી. કાંબળી દ્વારા દરોડા પાડયા બાદ ફરિયાદીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ ક્લોઝર નોટિસ પાછી ખેંચી લેવામાં આવે જેથી સ્ટોરની કામગીરી ફરી શરૃ થાય એવી ફરિયાદીની ઈચ્છા હતી.
પરંતુ ડ્રગ ઈન્સ્પેક્ટરે આના માટે લાંચ માંગી હતી. ફરિયાદીએ આ બાબતની એસીબીને જાણ કરી હતી.
છેવટે ડ્રગ ઈન્સ્પેક્ટરની ઓફિસમાં છટકું ગોઠવીને ફરિયાદી પાસેથી કાંબળી તરફથી રૃા.એક લાખની લાચ લેતા કૃષ્ણકુમાર તિવારીને ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ કેસ નોંધી બંનેને પકડીને વધુ તપાસ આદરી છે.