મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ)એ પાંચ મોટા ક્ષેત્રો બાંધકામ, આઈટી, નાણાંકીય, ઓઈલ અને ગેસ તથા એફએમસીજીમાંથી રૂ.પિયા એક લાખ કરોડથી વધુનું પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે.
સૌથી વધુ વેચાણ નાણાંકીય ક્ષેત્રના શેરોનું રહ્યું છે. ૧૫ જૂન સુધીમાં વિદેશી રોકાણકારોએ નાણાંકીય ક્ષેત્રના રૂ.પિયા ૫૩૪૩૫ કરોડ, ઓઈલ એન્ડ ગેસના રૂ.પિયા ૧૩૯૫૮ કરોડ, આઈટી રૂ.પિયા ૧૩૨૧૩ કરોડ, એફએમસીજીના રૂ.પિયા ૧૨૯૧૧ કરોડ તથા બાંધકામ ક્ષેત્રની કંપનીના રૂ.પિયા ૯૦૪૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
જો કે કેપિટલ ગુડસ, કન્ઝયૂમર સર્વિસીસ, ટેલિકોમ સહિતના કેટલાક ક્ષેત્રો એફઆઈઆઈના પસંદગીના ક્ષેત્રો રહેલા છે.
મૂલ્યાંકનની ચિંતાને લઈને એફઆઈઆઈનું આ શેરોમાં વેચાણ આવી રહ્યું છે. વેચાણને કારણે એફઆઈઆઈના એકંદર શેરહોલ્ડિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી સરકાર દ્વારા રજુ થનારું બજેટ, અમેરિકામાં વ્યાજ દરની સ્થિતિ તથા અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેવા મુદ્દા વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં એફઆઈઆઈની કામગીરીની દિશા નક્કી કરનારા બની રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ભારતમાં બજેટ બાદ સરકારની નીતિઓ વધુ સ્પષ્ટ થવા સાથે વિદેશી રોકાણકારોના ફલોસમાં વધારો થવા સંભવ છે. ભારતના અર્થતંત્ર તથા કંપનીઓના અર્નિગ્સ બાબતે એફઆઈઆઈ વિશ્વાસ ધરાવે છે, પરંતુ ઊંચા મૂલ્યાંકનોએ તેમને ચૂંટણી પછીની રેલીમાં ખરીદીથી દૂર રાખ્યા હતા.