– બીએસએફ, સૈન્ય અને પોલીસ હાઇએલર્ટ પર
– ભારે હથિયારો સાથે બે બુકાનીધારીને જોયા હોવાનો ગ્રામજનોનો દાવો, પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારાઇ
– જમ્મુ-કાશ્મીરના ડોડામાં ત્રણ આતંકી ઠાર
અમૃતસર : પંજાબની પાક. સરહદેથી આતંકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલો બાદ પંજાબ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. સરહદ નજીકના ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક ગ્રામજનોએ અમને જણાવ્યું છે કે આતંકીઓ તેમના વિસ્તારમાં ઘૂસ્યા હતા, એટલુ જ નહીં ગામના લોકોને બંદુક દેખાડીને તેમની પાસે ભોજન પણ બનાવડાવ્યું હતું. જેને ખાયા બાદ આતંકીઓ ભાગી ગયા હતા.
પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના એક ગામ કોટ બાઠિયાંમાં એક સ્થાનિક રહેવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપી હતી કે તેણે વિસ્તારમાં બુકાનીધારી લોકોને બંદુક સાથે જોયા છે. બન્ને પાસે મોટા પ્રમાણમાં હથિયારો પણ હતા. પહેલા બન્નેએ મને બંદુક દેખાડી હતી અને બાદમાં ભોજન તૈયાર કરવા માટે કહ્યું હતું. ભોજન કર્યા બાદ બન્ને આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા અને પઠાણકોટ તરફ ગયા હતા.
આ માહિતી સામે આવ્યા બાદ પઠાણકોટ અને ગુરદાસપુરમાં પોલીસ હાઇએલર્ટ પર છે, અહીંના જમ્મુ નેશનલ હાઇવે પર ચેકપોસ્ટ લગાવીને પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે આ અંગેની માહિતી બીએસએફ અને સૈન્યને પણ આપી છે. જેને કારણે હાલ સરહદ પર સૈન્ય પણ સતર્ક થઇ ગયું છે. પઠાણકોટના એરફોર્સ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યું છે, અગાઉ ૨૦૧૫માં આતંકીઓ સરહદ પાર કરીને આ એરબેઝમાં ઘૂસ્યા હતા અને હુમલો કર્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા. હાલ જે આતંકીઓ ઘૂસ્યા છે તેઓ પણ કોઇ મોટા હુમલાની ફિરાકમાં હોઇ શકે છે. જેને પગલે પોલીસ, સૈન્ય અને બીએસએફ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.