ગોંડલ પાસે યુવાનને મારકૂટ કરી આરોપીઓ ભાગી ગયા : અપહરણમાં રાજકોટના અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલા અમુક શખ્સોની સંડોવણી
રાજકોટ, : રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા હાર્દિક પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ. 24)નું ગઇકાલે રાત્રે તેના ઘર પાસેથી ફોરચ્યુનર કારમાં આવેલા સાતેક શખ્સો અપહરણ કરી ગોંડલ લઇ ગયા હતા. જ્યાં તેને મારકૂટ કરી છોડી દીધો હતો. હાર્દિકને પોરબંદરની યુવતી સાથે સંબંધ હતો. જેને કારણે તેનું અપહરણ થયાનું માલવિયાનગર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બે ભાઈ અને બે બહેનમાં સૌથી મોટો હાર્દિક ગઇકાલે રાત્રે ઘર પાસે હતો ત્યારે ફોરચ્યુનર કારમાં આરોપીઓ પરીયો ગઢવી, મેટીયો, અમરદીપ ઝાલા, જયલો, રાધે કોળી અને બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. હાર્દિકનું તેના ભાઈ ભૌમિકની નજર સામેથી અપહરણ કરી આરોપીઓ જતા રહ્યા હતાં.
જેથી ભૌમિકે માલવિયાનગર પોલીસને જાણ કરતાં તેની ટીમો કામે લાગી હતી. જો કે હાર્દિકનો મોબાઇલ ફોન બંધ આવતો હોવાથી તેનું લોકેશન પોલીસને મળતું ન હતું. મોબાઇલ ફોન ચાલું થતાં જ ગોંડલના આશાપુરા ડેમ નજીકનું લોકેશન મળતા પોલીસની ટીમો ત્યાં દોડી ગઇ હતી. પરંતુ તે પહેલા જ આરોપીઓ હાર્દિકને ધોકા-પાઇપના ઘા ઝીંકી, મારકૂટ કરી અને ઘાયલ કરી ભાગી ગયા હતા.
પોલીસે હાર્દિકને હોસ્પિટલ ખસેડયો હતો. તેના ભાઈ ભૌમિકની ફરિયાદ પરથી આરોપીઓ સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે હાર્દિકને પોરબંદરની યુવતી સાથે એકાદ વર્ષથી પરિચય હતો. જેને કારણે તેનું અપહરણ થયું હતું. જેમાં રાજકોટના શખ્સોની સંડોવણી નીકળી છે. આ શખ્સોમાંથી અમુક અગાઉ કારના કાચ તોડવા સહિતના કેસોમાં પોલીસ ચોપડે ચડી ગયા છે. માલવિયાનગર પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ ઝડપાયા પછી જ આ કેસમાં વધુ વિગતો બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.