Pakistan Train Viral Video: ટ્રેન પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો અવારનવાર સામે આવે છે પરંતુ પાકિસ્તાનમાંથી એક ગજબની ચોંકાવનારી ઘટના સામે આવી છે.હકિકતમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Pakistan Viral Video). જેમાં કેટલાક યુવાનો બાઇકનો ઉપયોગ કરી અનોખી પદ્ધતિથી ટ્રેનના મુસાફરો પર પાણીનો છંટકાવ કરી રહ્યા હોય છે અને ટ્રેનને ભીંજવતા હોય છે. ત્યારે અચાનક જ ટ્રેન અટકી જાય છે અને ટ્રેન પરના મુસાફરો નીચે ઉતરીને તોફાની યુવાનોની ધોલાઇ કરી નાખે છે તેમજ તેમની બાઇક પણ છીનવી લે છે.
ઘટનાની સંપૂર્ણ માહિતી એવી છે કે, યુવાનોના એક જૂથે મજાક અર્થે ટ્રેન પર પાણી ઉડાડવાની યોજના બનાવી અને ટ્રેનના પસાર થવાના માર્ગ પર આવેલા પાણીના ખાબોચિયામાં પોતાનું બાઇક એવી રીતે ગોઠવ્યો કે જ્યારે બાઇકને વેગ આપવામાં આવે તો પાણી પસાર થતી ટ્રેન પર દબાણપૂર્વક ઉડે અને મુસાફરો ભિંજાઇ જાય, મોટાભાગના કિસ્સાઓની જેમ આ બદમાશોએ માની લીધું હતું કે તેમને કંઇ થશે નહી પરંતુ આ ઘટનામાં ટ્રેન રોકાઇ ગઇ અને ત્યારબાદ મુસાફરોએ બદમાશોની બરોબરની ધોલાઇ કરી હતી.
ઘટના અંગે કોઇ ગુનો નોંધાયો નથી
આ સમાચાર સોશિયલ મીડિયા પર રમૂજ સાથે શેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ નોંધનીય છે કે અહીં બંને પક્ષોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડવાનું કામ કર્યું છે. છોકરાઓનું પાણી ફેંકવું હોય કે પછી મુસાફરોનો કાયદો પોતાના હાથમાં લેવો હોય. આ ઘટના ગંભીર હોવા છતાં, પાકિસ્તાન પોલીસે હજુ સુધી ગૂનો નોંધી કોઇની ધરપકડ કરી નથી.