વર્ષ 2003માં વેલ્લોરની મેડિકલ કોલેજમાં એક સગર્ભા સ્ત્રીની ડિલિવરી લગભગ 15 દિવસ માટે વિલંબિત થઈ હતી. કારણ? કારણ હતું એ મહિલાનું બ્લડ ગ્રૂપ. બોમ્બે બ્લડ ગ્રૂપ (BBG). મહિલા નસીબદાર હતી કે ખૂબ શોધ બાદ એને દાતા મળી ગયો, નહીંતર BBG અભાવમાં જો ડિલિવરી થઈ હોત તો એનો જીવ ચોક્કસપણે જોખમમાં મૂકાયો હોત.
બોમ્બે બ્લડ ગ્રૂપ શું છે?
આ દુર્લભ બ્લડ ગ્રૂપ સૌપ્રથમ વાર 1952માં ભારતના બોમ્બે (હવે મુંબઈ) શહેરમાં મળી આવ્યું હોવાથી એને બોમ્બે બ્લડ ગ્રૂપ આવ્યું હતું. લોહીનું આ ગ્રૂપ એટલું દુર્લભ છે કે 10,000 ભારતીયોમાંથી માત્ર એક જ માણસ BBG ધરાવતો હોય છે. વૈશ્વિક સ્તરે તો પરિસ્થિતિ ઔર ખરાબ છે. ત્યાં તો દસ લાખ લોકોમાંથી ફક્ત ચાર જણ BBG ધરાવતા હોય છે.
કેમ દુર્લભ છે બોમ્બે બ્લડ ગ્રૂપ?
BBG, ‘hh’ અથવા ‘Oh’ બ્લડ ગ્રૂપ તરીકે પણ ઓળખાય છે. BBGમાં H એન્ટિજનનો અભાવ છે. A અને B એન્ટિજનનું સર્જન થવામાં H એન્ટિજન કારણભૂત હોય છે. હવે લોહીમાં H એન્ટિજન જ ન હોય તો A અને B એન્ટિજનનું સર્જન થઈ શકતું નથી અને લોહી A, B કે O ગ્રૂપમાં સમાવેશ પામતું નથી.
BBG ધરાવતી વ્યક્તિઓના શરીરમાં એન્ટિ-એચ (anti-H) એન્ટિબોડીઝ બનતી હોય છે જે H એન્ટિજન સાથે મળીને લાલ રક્તકોશિકાઓ(red blood cells) સાથે પ્રતિક્રિયા કરે છે, જેને લીધે અન્ય કોઈપણ ગ્રૂપનું લોહી BBG ધરાવતી વ્યક્તિને આપી શકાતું નથી. તેઓ ફક્ત BBG ધરાવતી વ્યક્તિ પાસેથી જ લોહી મેળવી શકે છે. એટલે સુધી કે યુનિવર્સલ ડોનર ગણાતું O બ્લડ ગ્રૂપનું લોહી પણ BBG ધરાવતી વ્યક્તિને ચઢાવી શકાતું નથી. ભૂલમાંય ચઢાવાય તો BBG ધરાવનારનું શરીર ગંભીર પ્રતિક્રિયાઓ આપે છે.
પડકાર બનેલું BBG
અન્ય બ્લડ ગ્રૂપના પરિક્ષણ માટે વપરાતી પદ્ધતિ BBG ના પરિક્ષણ માટે વાપરી શકાતી નથી. દુર્લભ ગણાતું BBG વૈશ્વિક સ્તરની તુલનામાં ભારતમાં વધુ મળી આવે છે. તેમ છતાં સમયસર BBG ન મળવાથી કટોકટી સર્જાતી હોવાના બનાવ બન્યા કરે છે. BBG ધરાવતાં હૈદરાબાદના નિવૃત્ત વૈજ્ઞાનિક સતીશ મહેસેકરે 40 થી વધુ વખત રક્તદાન કરીને લોકોના જીવ બચાવ્યા છે, પણ તેમને પોતાને 2004-05માં ડેન્ગ્યુના ચેપ દરમિયાન રક્તની જરૂર પડેલી ત્યારે BBG દાતા શોધવામાં ખૂબ મુશ્કેલી પડેલી.
બોમ્બે બ્લડ મેળવવા માટે સ્થાનિક બ્લડ બેંકો પર આધાર રાખવો પડે છે, જેનો પુરવઠો હંમેશાં મર્યાદિત જ હોય છે. BBG ધરાવનારાઓ દૂર-દૂર રહેતા હોય એવા સંજોગોમાં પણ સમયસર લોહી નથી મળી શકતું અને જરૂરિયાતમંદના જીવને જોખમ સર્જાય છે. આમ પણ કોઈપણ બ્લડ ગ્રૂપની શેલ્ફ લાઇફ મહત્તમ 35 થી 42 દિવસોની જ હોય છે. એ પછી સાજુંસમું લોહી પણ નક્કામું થઈ જતું હોય છે. એ કારણસર ઓલરેડી ઓછું ઉપલબ્ધ BBG વિશેષપણે દુર્લભ બની જતું હોય છે.
BBG બાબતે શું કરી શકાય એમ છે?
દુર્લભ બ્લડ ગ્રૂપની રાષ્ટ્રીય નોંધણીનો અભાવ છે. એ દિશામાં કામ થવું જોઈએ. તબીબી નિષ્ણાતો દેશભરના દાતાઓને જોડવા માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવાની વિનંતી કરે છે, જેમાં BBG ધરાવતી વ્યક્તિઓની તમામ માહિતી સંગ્રહિત હોય. જેથી જે તે સમયે જે તે સ્થળે BBG ઉપલબ્ધ કરાવી શકાય અને BBGના અભાવે થતાં મૃત્યુઆંકને નીચો લાવી શકાય.
શું કરવામાં આવી રહ્યું છે?
કેટલાક અહેવાલો પ્રમાણે, વિવિધ બ્લડ બેંકો અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમ્યુનો હેમેટોલોજીના સહયોગથી લાઇફ બ્લડ કાઉન્સિલ આ દિશામાં કામ કરી રહી છે. તેઓ દુર્લભ બ્લડ ગ્રૂપની રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવી રહ્યા છે. દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા 400 જેટલા લોકોનો ડેટાબેઝ એમની પાસે હાલમાં છે, જે પૈકીના મોટાભાગના મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્યોના રહેવાસી છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં આ બાબતે હજુ પણ યોગ્ય કામ થયું નથી. તમામ રાજ્યોની સરકારો સાથે સંકલન સાધીને વિનય શેટ્ટી દુર્લભ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી રહ્યા છે.