– બે દિવસમાં ઝાડા-ઉલટીના 25 કેસ નોંધાયા
– પાણીના 23 સેમ્પલમાં ક્લોરીનેશન રિપોર્ટ નેગેટિવ આવ્યા : આરોગ્ય વિભાગે 275 ઘરોમાં સર્વે કરાવ્યો
બોરસદ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી વણકર વાસ, રાજા મહોલ્લા, ભોભાફળી સહિત ૪૦૦ મકાન વિસ્તારમાંથી માંદગીના કેસો વધવા પામતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વિતેલા બે દિવસમાં પચ્ચીસથી વધુ ઝાડા-ઉલટીના કેસો સામે આવ્યા છે.
રોગચાળો વકર્યા બાદ આખરે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને સર્વેની કામગીરી હાથ ધરી હત. જો કે, તંત્રની બેફિકરાઈથી રોગચાળાને નાથવાના પ્રયત્નો છતાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. તો કેટલીક જગ્યાએ દુષિત પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં જ્યાં ઝાડા-ઉલટીના કેસો સામે આવ્યા હતા ત્યાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીની ચકાસણી કરતા ક્લોરીનેશન જોવા ન મળતા પાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી.આ અંગે અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર સોલંકીએ જણાવ્યું હતું કે, વાવડી મહોલ્લા અને જેતયાવાડમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝાડા-ઉલટીના કેસોને લઈ ૨૭૫ ઘરોમાં સર્વેની કામગીરી દરમિયાન ૧,૩૧૬ નાગરિકોને આવરી લેવાયા હતા અને પાલિકા દ્વારા આપવામાં આવતા પાણીના ૨૩ સેમ્પલો લઈ કરી ક્લોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.