અમદાવાદ,
ગુરૂવાર
અમદાવાદમાં પીસીબીના સ્ટાફે એસ પી રીંગ રોડ ભાડજ સર્કલ પાસે
બાતમીને આધારે ્રરાજસ્થાનથી દારૂ ભરીને આવી રહેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ, કારચાલકે
અકસ્માત કરવાનો પ્રયાસ કરીને કારને બોપલ તરફ હંકારી મુકી હતી. જો કે તેને ઓવર બ્રીજ
પાસે રોકીને કારમાં દારૂનો જથ્થો લઇ જઇ રહેલા બે લોકોને ઝડપી લીધા હતા.પીસીબીના પોલીસ ઇન્સેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે રાજસ્થાનથી
એક કારમાં દારૂનો જથ્થો સરખેજ તરફ જવાનો છે.
જેના આધારે પોલીસે સવારે ભાડજ સર્કલ પાસે વોચ ગોઠવીને આડાશ ઉભી કરીને એક શંકાસ્પદ કારને
રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ,
કારચાલકે કારને પોલીસ સાથે અથડાવવાનો પ્રયાસ કરતા કાર રેલીંગ સાથે અથડાઇ હતી. ત્યારબાદ
તેણે કારને બોપલ ઓવરબ્રીજ તરફ પુરઝડપે હંકારી હતી અને કારને રોકીને ત્યાંથી નાસવા જતા
હતા. આ સમયે પોલીસે તેમનો પીછો કરીને ઝડપી લીધા હતા. તપાસ કરતા કારમાંથી ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો.
પુછપરછમાં આરોપીઓના નામ રમેશ બિશ્નોઇ અને ગણપત બિશ્નોઇ (બને રહે. ઝાલોર)ને હોવાનું
જાણવા મળ્યું હતું. તેમની તપાસમાં વિગતો ખુલી હતી કે સાંચોરમાં રહેતા દેવીલાલ નામના વ્યક્તિએ દારૂ ભરેલી
કાર આપી હતી અને તેને નડીયાદ ટોલટેક્ષ પાસે લઇ જઇને કાકા નામના વ્યક્તિને કાર આપવાની
હતી. બાદ તે કારને
ખાલી કરીને પરત આપી જવાનો હતો. બંને જણાએ અગાઉ
પણ અનેકવાર દારૂનો જથ્થો ગુજરાતમાં પહોંચતો કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ
કરી છે. નોંધનીય છે કે છેલ્લાં સાત દિવસ દરમિયાન પીસીબીએ રાજસ્થાનથી દારૂ ભરીને આવતી
કુલ ચાર ગાડીઓ જપ્ત કરીને લાખો રૂપિયાનોે દારૂ જપ્ત કર્યો છે. જેમાં દારૂ સપ્લાય કરતી
મહત્વની કડીઓ પણ મળી છે.