back to top
Homeરાજકોટમેંદરડાની સીમમાં રમી રહેલા 3 વર્ષનાં બાળકને દીપડાએ ઉઠાવી ફાડી ખાધો

મેંદરડાની સીમમાં રમી રહેલા 3 વર્ષનાં બાળકને દીપડાએ ઉઠાવી ફાડી ખાધો

દીપડાના આંતકથી સ્થાનિકોમાં ભયનો માહોલ પિતા બહારથી ઘરે આવતાં બાળક જોવા ન મળ્યું : આસપાસના લોકોની મદદ વડે શોધખોળ કરી તો મૃતદેહ જ હાથ લાગ્યો

જૂનાગઢ, : મેંદરડાના અમરગઢ રોડ પરની સીમમાં ગત રાત્રીના પરપ્રાંતિય શ્રમિકના બાળકને દિપડાએ ફાડી ખાધો છે. બાળકના પિતા કોઈ કામ સબબ બહાર ગયા હોય અચાનક આવી જોતા તેમનું સંતાન જોવા ન મળતા શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમ્યાન તેમના ખેતરની આસપાસ લોહીના ધાબા મળતા કંઈક અજુગતું થયું હોવાની આશંકા વચ્ચે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે તપાસ કરતા બાળકનો મૃતદેહ દિપડાએ ફાડી ખાધેલી હાલતમાં મળતા ગમગીની વ્યાપી છે. દિપડાના આંતકથી સ્થાનિક ખેડૂતો તથા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

અમરગઢ રોડ પર ખાનગી શાળા પાસેના ખેતરમાં મુળ મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશભાઈ ગેલાભાઈ જામર ગત મોડી સાંજે કોઈ કામ સબબ મોટરસાઈકલ લઈ મેંદરડા ગયા હતા. પ્રકાશભાઈનો ત્રણ વર્ષનો પુત્ર રોહિત ત્યાં રમતો હતો. અચાનક આવી ચડેલો દિપડો રોહિતને ઉપાડી નજીકના ખેતરમાં લઈ ગયો હતો. રોહિતનો કમરનો ભાગ અને પેટની નીચેનો ભાગ દિપડો ખાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વચ્ચે પ્રકાશભાઈ ખેતરે આવતા રોહિત ક્યાંય જોવા ન મળ્યો જેથી પ્રકાશભાઈએ તેના પુત્રની શોધખોળ હાથ ધરી અને આસપાસના લોકોને જાણ કરતા તેઓ પણ રોહિતને શોધવા કામે લાગ્યા હતા.

રોહિતની શોધખોળ કરતા હતા તેવામાં તેના મકાનથી 200 મીટર જેટલે દુર લોહીના ધાબા જોવા મળતા આસપાસના લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરતા મેંદરડા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતો હતો તેવામાં રોહિતનો મૃતદેહ મળ્યો હતો. રોહિતનો જે જગ્યાએ મૃતદેહ મળ્યો તેની આસપાસના વિસ્તારમાં દિપડાના સગડ જોવા મળ્યા હતા અને રોહિતને દિપડાએ ખાધો હોવાનું મૃતદેહ પરથી સાબિત થયું હતું. વન વિભાગ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મેંદરડાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તાબડતોબ દિપડાને પકડવા માટે ગત રાત્રીના જ પાંજરા મુકી દેવામાં આવ્યા હતા. આજે પણ કુલ પાંચ અલગ-અલગ જગ્યાઓ પર પાંજરાઓ મુકી દિપડાને પકડવા માટેની વન વિભાગે કવાયત હાથ ધરી છે. આદમખોર દિપડાના કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો છે. તાત્કાલીક વન વિભાગ દિપડાને પકડી પાડે તેવી માંગ ઉઠી છે.

મેંદરડામાં દીપડો પાણી પીતો બે દિવસ પહેલાં નજરે ચડયો હતો

હજુ બે-ત્રણ દિવસ પહેલા મેંદરડાના વાલમ ચોકના મકાનની પાણીની ટાંકીમાં દિપડો પાણી પીતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેથી આ વિસ્તારમાં દિપડો વસવાટ કરતો હોવાનું સ્પષ્ટ છે. રોહિત નામના બાળકને વાલમ ચોક નજીક પાણી પીતા દિપડાએ ફાડી ખાધો કે અન્ય દિપડાએ તે દિપડો પકડાયા બાદ સામે આવશે. આમ, મેંદરડા શહેરની આસપાસના વિસ્તારમાં દિપડાના ચક્કરોથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments