– એક દશક પૂર્વે રશિયાએ યુક્રેનનો ક્રીમીયન-દ્વીપકલ્પ લઇ લીધા પછી યુક્રેન પશ્ચિમ તરફ વળી રહ્યું છે : અત્યારે યુક્રેનમાં ધમાસાણ યુદ્ધ ચાલે છે
બુ્રસેલ્સ : યુરોપિયન યુનિયનમાં સભ્ય પદ માટે યુક્રેને રજૂ કરેલા પ્રસ્તાવ ઉપર ગઇકાલ (મંગળવાર)થી યુરોપિયન યુનિયનમાં મંત્રણાઓનો દોર શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, એક દાયકા પૂર્વે રશિયાએ યુક્રેન હસ્તકનો ક્રિમીયન-દ્વિપકલ્પ લઇ લીધા પછી યુક્રેન પશ્ચિમ તરફ વળી રહ્યું છે. ક્રીમીયન દ્વિપકલ્પ રશિયાએ લઈ લીધા પછી તો શ્રેણીબદ્ધ ઘટનાઓ બની રહી છે અને આખરે તો બંને પાડોશી દેશો વચ્ચે ધમાસાણ યુદ્ધ જામી રહ્યું છે.
યુક્રેન યુરોપીયન યુનિયનમાં સભ્યપદ આપવા અંગે, આ પૂર્વે ઇન્ટર-ગર્વમેન્ટલ કોન્ફરન્સ લકઝોમ્બર્ગમાં યોજાઇ હતી.
યુક્રેન વતી આ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ યુક્રેનના વડાપ્રધાન ડેનીસ રમીહાબે તે દિવસને ઐતિહાસિક દિવસ તરીકે જણાવ્યો હતો.
નિરીક્ષકોને સૌથી વધુ ચિંતા તે છે કે, યુક્રેન જો યુરોપીયન – યુનિયનમાં જોડાશે તો કદાચ યુદ્ધ વધુ વકરશે. કારણ કે પૂર્વ યુરોપમાં સર્વે સર્વા બની રહેવાની ઇચ્છા ધરાવતા રશિયાને યુક્રેનની આ ચાલ સ્વીકાર્ય જ નહીં બને.
વાત સીધી અને સાદી છે. રશિયાને તે સાથે તે પણ આશંકા રહે જ કે, હવે પછીનું યુક્રેનનું પગલું કદાચ નાટોની મેમ્બરશિપનું હોઇ શકે. તો યુદ્ધ અસામાન્ય બની જશે.