Bihar Assembly Election 2024 : ભાજપે આ વખતે ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેને સ્થાન આપ્યું નથી. પરંતુ તેમને રાજ્યપાલ બનાવવાની સંભાવના છે. અગાઉ ચૌબેએ ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાની અને સમાજસેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચૌબેએ એવી ઘણી ચર્ચાસ્પદ વાતો કહી છે, જેની અસર 29 જૂને નવી દિલ્હીમાં યોજાનારી જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પર થઈ શકે છે.
ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળવી જોઈએ
ચૌબેએ કહ્યું કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે NDA ભાજપના નેતૃત્વમાં ચૂંટણી લડે અને રાજ્યમાં એનડીએની સરકાર બનવી જોઈએ. સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ એકલા હાથે આગળ આવે અને એનડીએને પણ આગળ લઈ જવું જોઈએ. હું નીતીશ કુમારની સાથે છું અને રહીશ. અમે નીતીશ કુમારને સાથે લઈને ચાલતા હતા અને ચાલતા રહીશું.’ આ દરમિયાન તેમણે એવું પણ કહી નાખ્યું કે, અમે પાર્ટીમાં બહારના લોકોને સહન કરીશું નહીં, અમે પાર્ટીમાં આયાતી માલને ક્યારેય સહન કરતા નથી.
બિહારમાં એનડીએ એટલે નીતિશ કુમાર : સંજય ઝા
જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ કહ્યું કે, બિહારમાં એનડીએ એટલે નીતીશ કુમાર, આમાં કોઈ બેમત નથી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બિહાર ભાજપ અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ કહ્યું કે, તેઓ નીતિશ કુમારના નેતૃત્વમાં 2025ની વિધાનસભા ચૂંટણી લડશે.
નીતીશ કુમાર ટૂંક સમયમાં ઈન્ડિ ગઠબંધનમાં પરત ફરશે!
બીજીતરફ રાષ્ટ્રીય જનતાદળ (RJD)ના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં ભાજપ છોડી દેશે અને ઈન્ડિયા ગઠબંધનમાં પાછા ફરશે. આ પછી બિહારમાંથી ભાજપનો સફાયો થઈ જશે.