વડોદરાઃ વડોદરાના કમાટીબાગમાં ગેમઝોન ચલાવતા સંચાલકે જરૃરી લાયસન્સ નહિં લેતાં તેની સામે તપાસ કર્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના ગેમઝોનની દુર્ઘટના બાદ વડોદરામાં કોર્પોરેશન,પોલીસ તેમજ અન્ય વિભાગોની એક કમિટિ દ્વારા ગેમઝોન, ફનપાર્ક,એમ્યુઝમેન્ટપાર્ક જેવા સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નોન કોગ્નિઝેબલ ફરિયાદ આપવામાં આવી હતી.
આ ફરિયાદોની તપાસ માટે કોર્ટની મંજૂરી લીધા બાદ તેમાં માનવ જિંદગી જોખમમાં મુકાય તેમ જણાઇ આવતાં એનસી ફરિયાદોને એફઆઇઆરમાં પરિવર્તિત કરી ગુના નોંધવામાં આવ્યા છે.
સયાજીગંજ પોલીસે કમાટીબાગમાં ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રા.લિ.ના નામે ગેમ ઝોન ચલાવતા સંચલાક હિમાંશુ શશીકાન્ત ભાઇ સોની(ક્રિષ્ણા રેસિડેન્સી,સોમાતળાવ પાસે,ડભોઇરોડ) સામે ગુનો નોંધ્યો છે.જ્યારે, ગેંડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલના ફનપેઝ ગેમઝોનના સંચાલક વિશાલ દશરાથભાઇ મોદી(આદિત્ય હાઇટ્સ,નારાયણ સ્કૂલ પાસે, વાઘોડિયારોડ) અને સેવનસીઝ મોલના કે ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી હરિક્રિષ્ણા ચોકસી અને સાગર હરિક્રિષ્ણા ચોકસી(બંને રહે.પરચિય સોસાયટી,દિવાળીપુરા) સામે પણ ગુના નોંધાયા છે.