Image: Facebook
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ટિકિટ મેળવવા માટે ઈંગ્લેન્ડની ટીમનો સામનો કરશે. આ સેમિ ફાઈનલ મેચ 27 જૂને રમવામાં આવશે. આ મેચથી પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનું વર્લ્ડ કપથી બહાર થવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી. જે ખૂબ વાયરલ થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ સુપર-8માં ત્રણમાંથી બે મેચ હારીને ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમને સુપર-8માં અફઘાનિસ્તાન અને ભારતથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માને પત્રકારે પૂછ્યું, ટીમ ઈન્ડિયા માટે અને ખાસ કરીને એક બેટર તરીકે તમારા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત શું મહત્વ ધરાવે છે? આ પ્રશ્ન સાંભળીને રોહિત થોડા સમય માટે શાંત રહ્યો અને પછી હસીને તેનો જવાબ આપ્યો, અમારા માટે સૌથી વધુ મહત્વનું એ છે કે હવે ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્લ્ડ કપનો ભાગ નથી.
રોહિતનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. જોકે, રોહિતે સવાલનો જવાબ આપતાં ઓસ્ટ્રેલિયન ટીમના વખાણ પણ કર્યાં. તેણે કહ્યું, મારા હિસાબે ઓસ્ટ્રેલિયા એક શ્રેષ્ઠ ટીમ છે, તેમાં કોઈ શંકા નથી. કદાચ આ કારણ છે કે તેમણે આટલી બધી ટુર્નામેન્ટ જીતી છે. તેના વિરુદ્ધ મેચમાં અમારા માટે સૌથી મોટી બાબત એ રહી કે જે આત્મવિશ્વાસની સાથે અમે રમત બતાવી ભલે તે બેટિંગ હોય કે બોલિંગ… તે કમાલની રહી. મને લાગે છે કે આ એક એવી બાબત છે જેને અમે પોતાની સાથે લઈ જઈ શકીએ છીએ.
રોહિતે આગળ કહ્યું, જ્યારે તમે ઓસ્ટ્રેલિયા જેવી એક શ્રેષ્ઠ ટીમ સામે રમો છો અને તમે આ રીતે જીતો છો તો બધુ યોગ્ય સ્થાને આવી જાય છે. આનાથી તમને ખૂબ આત્મવિશ્વાસ મળે છે અને મને લાગે છે કે આ ફોર્મેટ પૂર્ણ રીતે આત્મવિશ્વાસ પર જ આધારિત છે.
ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપ 2024ની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવી દીધું હતું જ્યારે આ પહેલા અફઘાનિસ્તાને કાંગારુ ટીમને 21 રનથી માત આપી હતી. ગ્રૂપ-1 થી ઈન્ડિયા અને અફઘાનિસ્તાનની ટીમ જ સેમિ ફાઈનલ સુધી પહોંચી હતી.