Vadodara Corporators Protest for Water : વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં. 1માં આવેલી અનેક સોસાયટીઓના રહીશોને ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી મળતું હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટરો જહા ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા ટીપી-13ની પાણીની ટાંકી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવીને પાણી પ્રશ્નનો નિકાલ ન લાવે ત્યાં સુધી આ કોર્પોરેટરોના ઉપવાસ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આખરે કોર્પોરેશનના અધિકારીઓએ આવીને તેઓને ખાતરી આપી હતી કે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવી આપીશું તે બાદ ધારણા પુરા કર્યા હતા અને સાથે સાથે ચીમકી આપી હતી કે જો પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કમિશનના ઘરે જઈને ધરણા કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીપી 13 વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી સમયસર પૂરતા પ્રેસરથી મળતું નથી. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરો જહા ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પા વાઘેલાએ સ્થાનિક ટાંકીએ જઈને તપાસ કરી હતી. જ્યાં પાણીની ટાંકી અને સંપનું લેવલ 15 ફૂટ જરૂરી છે. પરંતુ આ લેવલ યોગ્ય રીતે નહીં જળવાતા 9 થી 10 ફૂટ હતું. જેથી પૂરતા પ્રેસરથી સ્થાનિક લોકોને પાણી મળવું શક્ય જ નથી. સ્થાનિક રહીશોના વારંવારના પાણી બાબતેના પ્રશ્નોથી કંટાળીને આ બંને કોર્પોરેટરો સ્થાનિક પાણીની ટાંકીએ ઉપવાસ પર બેઠા છે. બંને કોર્પોરેટરોનું કહેવું છે કે પાલિકા તંત્રના અધિકારીઓ જ્યાં સુધી અહીંયા રૂબરૂ આવીને પાણી બાબતે યોગ્ય સમાધાનકારી જવાબ નહીં આપે ત્યાં સુધી ઉપવાસ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારી છે.