ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
બહેનને ઈંગ્લીશના ક્લાસ કરાવવા માટે નરોડા લઈ જઈ રહ્યો હતો તે સમયે રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકે અકસ્માત કર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા વડોદરા ગામમાં રોંગ સાઈડમાં આવતા બાઈક
ચાલકે મોપેડ સવાર ભાઈ બહેનને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે ભાઈનું મોત
નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે ડભોડા પોલીસે બાઈકના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
છે અને તેમાં પણ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે
અકસ્માતોમાં વધારો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે બપોરના
સુમારે શહેર નજીક આવેલા વડોદરામાં રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકની ભૂલના કારણે
યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે વડોદરા ગામમાં
રહેતો યુવાન ધ્વીલ મુકેશભાઈ પ્રજાપતિ ગઈકાલે તેની બહેન આયુષીને લઇ મોપેડ ઉપર નરોડા
ખાતે ઇંગલિશ સ્પોકનના ક્લાસ કરાવવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન ગામના સોનલ બાઈ
માતાના મંદિર સામે રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકે તેમના મોપેડને અડફેટ
લીધું હતું. જેના કારણે આ ભાઈ બહેન રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ
પહોંચી હતી. આ ઘટના અંગે પરિવારજનોને જાણ થતા તેમનો પિતરાઇ ભાઇ કૌશિક સ્થળ ઉપર
પહોંચ્યો હતો અને ઘાયલ ભાઈ બહેનને સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ધૃવિલનું ગંભીર
ઇજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે હાલ ડભોડા
પોલીસ દ્વારા બાઈક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.