Vadodara Education Committee : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક સભ્યની ચૂંટણી બાદ હવે તારીખ 25મી જુલાઈના રોજ ક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની મુદત પૂરી થાય છે. ત્યારે હવે ઉપાધ્યક્ષની ખાલી પડેલી જગ્યાની પણ ચૂંટણી અધ્યક્ષની સાથે જ કરવામાં આવશે ત્યારે ભાજપમાં ફરી એકવાર અધ્યક્ષ ઉપાધ્યક્ષના હોદ્દા માટે ભાંજગડ શરૂ થઈ છે. જેમાં અધ્યક્ષ માટે રિપીટ થિયરી અપનાવવામાં આવશે જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે મહિલા સભ્યની નિમણૂક થાય તેવી શક્યતા રહેલી છે.
વડોદરા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોશીને સાંસદની ટિકિટ મળ્યાની જાહેરાત થતા તેઓએ શિક્ષણ સમિતિના સભ્ય અને ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ નિયમ પ્રમાણે 21 દિવસમાં ચૂંટણી કરવાની હોય છે પરંતુ લોકસભાની ચૂંટણી હોવાને કારણે શિક્ષણ સમિતિએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખી ચૂંટણી યોજવા અંગે માર્ગદર્શન માંગ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય નહીં થતા ચૂંટણી લંબાવી દેવામાં આવી હતી અને હવે આખરે એક સભ્યની ચૂંટણીની જાહેરાત વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા એક સભ્યની ચૂંટણી યોજાયા બાદ હવે તારીખ 25મી જુલાઈએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની મુદત પૂરી થાય છે. ત્યારે બંને હોદ્દા માટે શિક્ષણ સમિતિમાંથી પક્ષ કોની પસંદગી કરે છે તે જોવાનું રહે છે. શિક્ષણ સમિતિના કેટલાક સભ્યોનું માનવું છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી મોડી થઈ હતી જેથી હાલના અધ્યક્ષને માત્ર દોઢ વર્ષ જ કામ કરવાની તક મળી છે. જેથી બીજા અઢી વર્ષ તેમને કામ કરવાની તક મળે જેથી તેઓને રીપીટ કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. એટલું જ નહીં તેમના સમયમાં માધ્યમિક શાળા પણ શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાક સભ્યો પ્રમુખ બદલવાની માંગણી પણ કરી રહ્યા છે. જ્યારે શિક્ષણ સમિતિમાં વર્ષોની એક પ્રણાલિકા રહી છે કે ઉપાધ્યક્ષ તરીકે મહિલાને નિમણૂક આપવામાં આવતી હોય છે પરંતુ દોઢ વર્ષ પહેલા અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી દરમિયાન બંને હોદ્દા પર પુરુષ સભ્યને નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે હવે આ વખતે ઉપાધ્યક્ષ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી શરૂ થઈ છે.