Vadodara Boat Accident: 18મી જાન્યુઆરી 2023ના રોજ વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં વિદ્યાર્થીઓ સહિત 14 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ હરણીકાંડ મામલે આજે (27મી જૂન) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાય હતા. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના અહેવાલ સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે કહ્યું કે, ‘સમિતિના રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે સમિતિ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે. જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર થયો છે, તેમાં સમગ્ર દોષ ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાનો પ્રયત્ન થતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.’
તપાસ સમિતિનો અહેવાલ વાંચ્યા બાદ હાઈકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે, ‘તપાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલો આ અહેવાલ અમારે સ્વિકારવાનો છે કે કેમ? જો આ રિપોર્ટ સ્વીકારવાનો થાય છે, તો પ્રિન્સિપલ સેક્રેટરીની મુશ્કેલી પણ વધી શકે છે.’ જે બાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલ વાંચવા માટે સમય માગ્યો જેને હાઈકોર્ટ ગ્રાહ્ય રાખ્યો અને હવે આ મામલે ચોથી જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: વડોદરામાં લાયસન્સ વિના ચાલતું હતું ગેમઝોન, તંત્રએ સંચાલક વિરૂદ્ધ નોંધ્યો ગુનો
હરણકાંડ મામલે તપાસના મહત્ત્વના મુદ્દા
18મી જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં બોટિંગ કરવા માટે ગયેલા સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બેટ પલટી જતા બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયા છે. તે પૈકી કેટલાક બાળકો અને શિક્ષકોનું મૃત્યુ નીપજ્યા હતા.
– પુખ્ત વિચારણાને અંતે આ ગંભીર બનાવના સંબંધમાં સરકારે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને નીચેના મુદ્દાઓ પરત્વે વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે.
1. કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બન્યો છે.
2. આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઈ ઈજારદાર કે અન્ય કોઈની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ?
3. ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ.