– દૂધની ડેરીવાળા પુલ નીચે દરોડો
– એસએમસી બાદ એલસીબી ટીમે જુગારી ઝડપી પાડતા વઢવાણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણ રોડ પર દૂધની ડેરીવાળા પુલ નીચે ભોગાવો નદીમાં પટમાં જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે બે મહિલા સહિત ૬ શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. એલસીબીએ ૧૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે વઢવાણ પોલીસ મથકની હદમાં એલસીબીએ દરોડો કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
વઢવાણ રોડ પર આવેલા દૂધની ડેરીવાળા પુલ નીચે ભોગાવો નદીના પટમાં બાવળની આડમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીએ દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મેરૂભાઈ રમેશભાઈ ગાંગડીયા (રહે. શક્તિપરા), હિતેશભાઈ નટુભાઈ પરમાર (રહે. સોનાપુર રોડ), હુશેન સીદીક કાજળીયા (રહે. ખાટકીવાડ, ટાવર પાછળ) અને રણછોડભાઈ ઉર્ફે રણછો નાગજીભાઈ કાટોડીયા (રહે.કુંભારપરા, શેરી નં.૧)ને ઝડપી પાડયા હતા.
જ્યારે મુકેશભાઈ પોપાભાઈ (રહે. રીવરફ્રન્ટ), રણજી ઉર્ફે ટેણો (રહે. મફતીયાપરા), હિતેશ કાબા (રહે.પોપટપરા), જયદિપ ઉર્ફે બાકસ રાતોજા, અમીનામાસી (રહે. સુધારા પ્લોટ) અને ખતીજાબેન (રહે. રીવરફ્રન્ટ) દરોડા દરમિયાન નાસી છુટયાં હતાં.
એલસીબીએ રોકડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ.૧૫,૬૩૦નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૧૦ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા એસએમસીની ટીમે વઢવાણ પોલીસ લાઈન પાસેથી જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી પાડયા હતા. ત્યારે ફરી એલસીબી ટીમે વઢવાણ પોલીસને અંધારામાં રાખી જુગારના અડ્ડા પર દરોડો કરી ચાર જુગારીને ઝડપી પાડતા વઢવાણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.