હનુમાન ચાલીસા પ્રકરણમાં મુક્તિની અરજીની સુનાવણી
હવે તારીખ માગશે તો દંડનો સામનો કરવો પડશે તેવી ચેતવણી આપી, હવે તા ૨૩મી જુલાઈએ સુનાવણી યોજાશે
મુંબઈ : હનુમાન ચાલીસા પ્રકરણમાં પોલીસે કરેલા કેસમાંથી મુક્તિ ઈચ્છતી અરજીની સુનાવણીમાં ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણા અને વિધાનસભ્ય પતિ રવિ રાણાને વધુ તારીખ માગવા સામે ચેતાવણી આપી હતી અને જણાવ્યું હતું કે દંપતી પર અન્યથા દંડ લાદવામાં આવશે. છેલ્લી તક આપીને કોર્ટે ૨૩ જુલાઈ પર સુનાવણી રાખી હતી.
સેશન્સ કોર્ટે અરજી નકારતાં દંપતીએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલમાં દલીલ કરી હતી કે તેમની સામેના આરોપો ખોટા છે અને કેસ મોડેથી કરવામાં આવ્યો છે.
૨૦૨૨માં પોલીસે દંપતી સામે પોલીસ કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા તથા બળ પ્રયોગ કરીને મારપીટ કરવાની કલમ હેઠળ કેસ કર્યો હતો. ધરપકડનો વિરોધ કરીને પોલીસ કર્મચારીને અટકાવ્યા હોવાનો આરોપ છે. એ વખતના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા નિવાસસ્થાનની બહાર હનનુમાન ચાલિસાનું પઠન કરવાની રાણા દંપતીએ હઠ પકડી હતી.
બંને સામે કેસ નોંધીને પોલીસે આરોપનામું દાખલ કર્યું હતું અને એક મહિનાના જેલવાસ બાદ હાલ બંને જામીન પર છે.
આ અગાઉ નવનીત રાણા બીમારી સહિત અનેક કારણો કાઢી સુનાવણીમાં હાજર રહેવાનું ટાળી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ બન્યો ત્યારે નવનીત રાણા લોકસભામાં અપક્ષ સંસદસભ્ય હતાં. જોકે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયાં હતાં પરંતુ તેમની હાર થઈ હતી.