Foreign Remittance To India: વિશ્વના મોટાભાગના ખૂણામાં ભારતીયો વસે છે. ભારતીયો વિદેશોમાંથી કમાણી કરવામાં અવ્વલ બન્યા છે. 2023માં ભારતીયોએ વિદેશથી 120 અબજ ડોલર રેમિટન્સ સ્વરૂપે ભારત મોકલ્યા હતા. જે મેક્સિકોને મળેલા 66 અબજ ડોલરના રેમિટન્સ કરતાં બમણુ છે.
વર્લ્ડ બેન્ક દ્વારા જારી રિપોર્ટ અનુસાર, વિદેશમાંથી રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન ($50 અબજ), ફિલિપાઇન્સ ($39 અબજ) અને પાકિસ્તાન ($27 અબજ) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે. 2021-2022 દરમિયાન મજબૂત વૃદ્ધિ બાદ નીચી અને મધ્યમ આવકવાળા દેશો (LMICs)માં સત્તાવાર રેમિટન્સનું પ્રમાણ નીચુ રહ્યું હતું. જો કે, 2023માં $656 અબજે પહોંચ્યું હતું.
ભારતીયોએ કરી મબલક કમાણી
ભારતના કિસ્સામાં, 2023માં રેમિટન્સમાં 7.5 ટકાનો વધારો થયો છે. તે 120 અબજ ડોલર થઈ ગયું છે. અમેરિકામાં ઘટી રહેલા ફુગાવા અને મજબૂત શ્રમ બજારોના ફાયદાના કારણે રેમિટન્સમાં વધારો થયો છે. ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું સ્થળ છે. આ ઉપરાંત ગલ્ફ દેશો (GCC)માં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી હતી.
પાકિસ્તાનની સ્થિતિ
પાકિસ્તાનના કિસ્સામાં પણ વિદેશમાં માંગ સારી હતી પરંતુ કોરોના મહામારી બાદ ત્યાંની આર્થિક સ્થિતિ કથળતાં રેમિટન્સ ઘટ્યું છે. ચુકવણીમાં સંતુલન અને આર્થિક મુશ્કેલીઓના કારણે નબળી આર્થિક સ્થિતિને કારણે તે 2023માં 12 ટકા ઘટીને 27 અબજ ડોલર થઈ હતી. જ્યારે 2022માં તેને 30 અબજ ડોલર મળ્યા હતા. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર, ભારતમાં સ્થળાંતર કરનારાઓ દ્વારા મોકલવામાં આવેલા રેમિટન્સના સ્ત્રોતની દ્રષ્ટિએ યુનાઇટેડ આરબ અમીરાત યુએસ પછી બીજા ક્રમે છે. કુલ રેમિટન્સના 18 ટકા પ્રાપ્ત કર્યા હતા.