ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોનો તરખાટ યથાવત
પરિવાર ધાબા ઉપર સૂઈ રહ્યો હતો તે દરમિયાન તસ્કરોનો હાથફેરો : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની
ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈ રાત્રે ડભોડા પંથકના વીરાતલાવડી ગામમાં તસ્કરો
ત્રાટક્યા હતા અને પરિવાર ધાબા ઉપર સુઈ ગયો હતો તે દરમિયાન મકાનની જાળીનું તાળું
તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૮૫ લાખ રૃપિયાની મત્તા
ચોરીને પલાન થઈ ગયા હતા.
પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા
સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આ તસ્કરો નહીં પકડાવાને કારણે એક પછી
એક વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા ડભોડાના
વીરા તલાવડી ગામમાં રહેતા પંકજભાઈ વિસાભાઈ
પરમાર ગઈકાલે રાત્રે તેમની પત્ની સાથે મકાન બંધ કરીને ધાબા ઉપર સૂઈ રહ્યા
હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનની જાળીને
તાળું તોડીને મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ રૃપિયા સોના ચાંદીના દાગીના મળી
૧.૮૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. આજે વહેલી સવારના સમયે તેમના ભત્રીજા હર્ષ
દિનેશભાઈ પરમાર ધાબા ઉપર કસરત કરવા માટે ગયો હતો તે દરમિયાન તેણે ઘર નજીક એક સફેદ
કલરની કાર પડેલી જોઈ હતી. જેના પગલે તે કાકાના ઘરે પહોંચ્યો હતો અને પંકજભાઈને ફોન
કરીને જગાડયા હતા તો તેમણે નીચે આવીને જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું અને
તેમાં ચોરી થઈ હતી. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર
પહોંચી હતી અને અજાણ્યાં તસ્કરો સામે ચોરીને ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરી
હતી. ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આ પ્રકારની ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે
ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.