Anti Corruption Bureau Gujarat: રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) કાર્યરત હોય છે. જો કે એસીબી જ ભ્રષ્ટાચાર અટકાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે કારણ કે, આ ખાતું હવે અગાઉ થયેલા ભ્રષ્ટાચારના જૂના કેસો ખોલીને, મનફાવે તેમ આડેધડ કેસો નોંધી રહ્યું છે. તમને સવાલ થશે કે ભ્રષ્ટાચારના કેસ નોંધીને કેવી રીતે ઉદાસીનતા?
વાત એમ છે કે, એસીબી કેસ તો નોંધે છે પણ તેઓ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યુર (SOP)નું પાલન નથી કરતા. એસીબી છેલ્લા ઘણાં સમયથી અપ્રમાણસર મિલકતના આડેધડ કેસ નોંધે છે, પરંતુ મુશ્કેલી એ છે કે આ પ્રકારના કેસમાં આરોપીઓ કોર્ટમાંથી છટકી જવાની શક્યતા વધી જાય છે. શું એસીબી આ વાત જાણતું નથી? આ સ્થિતિમાં એસીબીના કેસનો કન્વિકશન રેટ હાલનો એવરેજ રેટ 37% છે, જે ઘટી જવાની શક્યતા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં એસીબી મનફાવે તેમ કાર્યવાહી કરી રહી છે. આ જોતા લાગે છે કે, એસીબીને ભ્રષ્ટાચાર ઘટે કે ન ઘટે તેનાથી કોઇ ફરક પડતો નથી.
શું છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યુર
એસઓપી પ્રમાણે ક્લાસ 1 અધિકારીની અપ્રમાણસર મિલકત સદર્ભે તપાસ કરવા મુદ્દે સરકાર પાસે મંજૂરી માંગવાની હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે એક તપાસ અધિકારી કોઈની અપ્રમાણસર સંપત્તિની તપાસ કરતાં હોય, ત્યારે અપ્રમાણસર સંપત્તિની આવક, ખર્ચ અને રોકાણનો એક ચોક્કસ સમયગાળો નક્કી કરાય છે. ત્યારબાદ એ ગાળામાં જેના પર આક્ષેપ કરાયો છે તેમની આવક, ખર્ચ અને રોકાણની વિગતો મેળવવામાં આવે છે. ત્યાર પછી તેની અને પરિવારના સંપત્તિની માહિતી મેળવાય છે.
અનેક કેસમાં એસઓપીના પાલનમાં ધાંધિયા
સૂત્રોના જણાવ્યાનુસાર એસીબી દ્વારા એઓપીનું પાલન કર્યા વિના જ આવા અનેક કેસ નોંધવામાં આવ્યા છે. જેમ કે, 12મી જૂન 2024 ના રોજ ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ એટલે કે ‘ગુજસેલ’ના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હતો. તેમાં એસઓપીનું પાલન થયું નથી. આ ઉપરાંત 19મી જૂન 2024ના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના આરોપી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠિયા વિરુદ્ધ રૂ 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. 21 જૂન 2024ના રોજ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર વિરુદ્ધ રૂ 4.7 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો હતો. એવું કહેવાય છે કે, આવા અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં એસઓપીનું પાલન થયું છે કે નહીં તે શંકાસ્પદ નથી, જેથી તે કોર્ટમાં ટકે નહીં તેવું પણ બની શકે છે.
કેવા પ્રકારની માહિતી માંગી શકે એસીબી
આ પ્રકારના કેસમાં જે તે આરોપીના બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘર, ફર્નિચર, સંતાનોના લગ્નમાં થયેલો ખર્ચ અને લગ્નના ફોટો-વીડિયો પણ જોવામાં આવે છે. ત્યાર પછી એસીબી જેમના પર આરોપ છે (આક્ષેપિત) તેમને બોલાવીને પૂછપરછ કરે છે. આ દરમિયાન તે વિવિધ લોકો પાસે માહિતી માગે છે, જે નીચે પ્રમાણે છે.
1. ખાનગી સોર્સથી તપાસ કરાય છે.
2. RTO પાસે વાહનો વિષે લેખિતમાં માહિતી માગે છે.
3. મહેસૂલી અધિકારી પાસે જમીન વિશે માહિતી માંગે છે
4. બેંકો પાસે નાણાકીય વ્યવહારોની વિગત મંગાવે છે.
5. LIC સહિત અન્ય વીમા કંપનીઓ પાસે પોલિસીની વિગત ભેગી કરે છે.
6. શેરબજારના રોકાણ વિશેની માહિતી ભેગી કરાય છે.
7. બ્યૂરો ઓફ ઈમિગ્રેશન પાસે વિદેશ પ્રવાસની માહિતી મંગાય છે.
10% કરતાં વધુ સંપત્તિ હોય તો FIR દાખલ થાય
આ તમામ તપાસ પછી અધિકારી જેના પર અપ્રમાણસરની સંપત્તિનો આરોપ હોય તેમની પાસે આવક-જાવક (ખર્ચ- રોકાણ)ની વિગતો સાથેનો એક અંદાજ રજૂ કરે છે. જેમાં આવક કરતાં કેટલી સંપત્તિ અપ્રમાણસર છે એનો આંકડો મૂકાય છે. આ આંકડો મળ્યા બાદ એસીબી પેનલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તેમની રીતે અપ્રમાણસર સંપત્તિની તપાસ અને આંકડો જાહેર કરાય છે. તે બંનેમાં ફેર આવે તો બંને એક સાથે બેસી સ્પષ્ટતા કરે છે અને સંપત્તિના કુલ આંકડાના એક ફાઇનલ ઓપિનિયન પર આવે છે. ત્યાર પછી આવક અને સંપત્તિની ટકાવારી નક્કી કરાય છે, જેમાં 10% કરતાં વધુ સંપત્તિ હોય તો FIR નોંધવામાં આવે છે.
ભ્રષ્ટાચારના કેસ નોંધવામાં ગુજરાત દેશમાં કયા ક્રમે
નીતિ આયોગે વર્ષ 2018 ના આંકડાના આધારે ભ્રષ્ટાચારના કેસ નોંધવાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તે પ્રમાણે ગુજરાત આખા દેશમાં ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં ત્રીજા ક્રમે હતું. તમિલનાડુ પ્રથમ સ્થાને જ્યારે ઓડિશા બીજા ક્રમ પર હતું. જો કે ગુજરાત રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે, એટલે આ કેસની સંખ્યા વધી રહી છે. 2014 પછી ગુજરાતમાં 800 કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે, જ્યારે વર્ષ 2019માં 255 કેસ નોંધાયા હતા અને દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમા ક્રમે પહોંચી ગયું હતું.
ક્યારે થઇ હતી એન્ટિ કરપ્શન બ્યુરોની રચના
રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, 30 સપ્ટેમ્બર, 1963ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી હતી. લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે.