Image: IANS
Sengol Importance In India: 18મી લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. નવા ચૂંટાયેલા લોકસભા સભ્યોના શપથ ગ્રહણ અને અધ્યક્ષની ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ગજગ્રાહ ચાલી જ રહ્યો હતો. એમાં વળી હવે સંસદમાં સ્થાપિત સેંગોલનો મુદ્દો ઉમેરાયો છે. સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે લગાવેલા સેંગોલને હટાવવાની માંગ વિપક્ષી દળોએ કરી છે.
સેંગોલ હટાવવાની માંગ સાથે સામસામા ચાલેલા વાક-બાણ
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ આરકે ચૌધરીએ કહ્યું કે, ‘સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. તેને હટાવીને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવું જોઈએ કેમ કે બંધારણ લોકશાહીનું પ્રતીક છે. ‘સેંગોલ’નો અર્થ ‘શાહી લાકડી’ થાય છે, અને એનો બીજો અર્થ ‘રાજાનો સળિયો’ પણ થાય છે. રજવાડાનો અંત લાવી આપણો દેશ આઝાદ થયો હતો. તો શું હવે ફરી દેશ રાજાની લાકડીથી ચાલશે? બંધારણ બચાવવા માટે સેંગોલને સંસદમાંથી હટાવવામાં આવે.’
આરકે ચૌધરીના નિવેદનને સમાજવાદી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, આરજેડી અને શિવસેના(યુબીટી) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત કહ્યું કે, ‘બંધારણ જ વધુ મહત્વપૂર્ણ છે.’ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, ‘ભાજપે પોતાની મરજીથી સેંગોલ લાદ્યો છે. સપાની માંગ ખોટી નથી. સંસદે બધાને સાથે લઈને ચાલવાનું હોય, પરંતુ ભાજપ મનસ્વી રીતે કામ કરે છે.’ આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું કે, ‘દેશમાં લોકશાહી છે, રાજાશાહી નહીં. સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે, એને મ્યુઝિયમમાં મૂકો.’
સંસદમાંથી સેંગોલને હટાવવાની માંગ કરતો વિપક્ષ, શું છે રાજદંડનું ઐતિહાસિક મહત્ત્વ?
એની સામે ભાજપના લોકસભા સાંસદ ખગેન મુર્મુ, સાંસદ મહેશ જેઠમલાણી, કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી, એલજેપી નેતા ચિરાગ પાસવાન અને બીજેપી સાંસદ રવિ કિશને સેંગોલની તરફેણમાં નિવેદન આપ્યાં, જેનો સૂર કંઈક એવો હતો કે, વિરોધ પક્ષ પાસે કંઈ કામ ન હોવાથી તેઓ બંધારણને લઈને ખોટા મુદ્દા ઉઠાવ્યા કરે છે, સેંગોલને સંસદભવનમાંથી કોઈ દૂર કરી શકશે નહીં.
સેંગોલની ડિઝાઇન, પ્રતીકવાદ અને એનું મહત્ત્વ
‘સેંગોલ’ તમિલ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. તમિલ શબ્દો ‘સેમાઈ’ (સચ્ચાઈ/સદાચાર) અને ‘કોલ’ (લાકડી) પરથી બન્યો છે શબ્દ ‘સેંગોલ’. એનો અર્થ ‘ન્યાય દંડ’ એવો થાય છે.
સેંગોલનો ઇતિહાસ ચોલ સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. પ્રાચીન ભારતમાં નવા રાજાનો રાજ્યાભિષેક થાય અને એ સિંહાસન પર બેસે ત્યારે એને સુશાસનના પ્રતીક તરીકે સેંગોલ આપવામાં આવતો. સેંગોલ ધરાવનારે નીતિઓનું પાલન કરવાનું રહેતું, એટલે એને રાજદંડ કહેવાતો. સેંગોલ રાજાને એની ન્યાયીક ફરજો યાદ દેવડાવતો. રાજદંડ ખુદ રાજાની નિરંકુશતાને રોકવાનું સાધન પણ ગણાતું આવ્યું છે. રામાયણ અને મહાભારતકાળમાં પણ ઉત્તરાધિકાર સોંપવામાં આવતો ત્યારે રાજાના માથે જે મુગટ પહેરાવવામાં આવતો એ એક પ્રકારનો રાજદંડ જ ગણાતો.
લગભગ 5 ફૂટ (1.5 મીટર) લાંબો ‘સેંગોલ’ ચાંદીનો બનેલો છે અને એના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવેલો છે. એની ટોચ પર નંદીની કોતરણી છે. ભગવાન શિવના વાહન નંદીને ‘ધર્મના પ્રતીક’ તરીકે જોવામાં આવે છે. શિવાલયોમાં નંદી હંમેશાં શિવની સામે સ્થિર મુદ્રામાં બેઠેલા હોય છે. નંદીની આ સ્થિરતા રાજાને એના શાસન પ્રત્યે અડગ રહેવાની પ્રેરણા આપે છે. નંદી સમર્પણનું પ્રતીક પણ છે. રાજા અને પ્રજા બંને રાજ્ય પ્રત્યે સમર્પિત રહે એ ભાવનાથી સેંગોલ માટે અન્ય કોઈ પ્રાણીને બદલે નંદીની પસંદગી કરવામાં આવી છે. નંદીના નીચેના ભાગમાં દેવી લક્ષ્મી અને તેની આસપાસ હરિયાળીના સ્વરૂપમાં ફૂલો, પાંદડાં અને વેલા કોતરવામાં આવ્યાં છે, જે રાજ્યની સમૃદ્ધિ દર્શાવે છે.
આધુનિક ભારતમાં સેંગોલનો ઈતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં ભાજપ સરકારે સંસદમાં ‘સેંગોલ’ની સ્થાપના કરી હતી, ત્યારે દેશભરમાં સેંગોલની ચર્ચા જાગી હતી. જોકે, સેંગોલનો આધુનિક ઇતિહાસ ભારતની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. 1947માં દેશને આઝાદી મળેલી ત્યારે સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે સેંગોલને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સોંપવામાં આવ્યો હતો. એ પછી એને અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. ધર્મના પ્રતીક એવા સેંગોલને વર્તમાન વડાપ્રધાને ફરી સંસદમાં સ્થાન આપ્યું છે ત્યારે એ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ ગયું છે.