Image: Facebook
T20 World Cup 2024: પોતાના જોરદાર પ્રદર્શનથી તમામનું દિલ જીતનાર અફઘાનિસ્તાનનું ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન તૂટી ગયું. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવીને પહેલી વખત ખિતાબી મેચમાં સ્થાન બનાવ્યું. હવે દક્ષિણ આફ્રિકાનો સામનો શનિવારે ફાઈનલમાં ભારત કે ઈંગ્લેન્ડથી થશે. આ હાર છતાં અફઘાન ટીમ ગર્વ સાથે ઘરે પરત ફરશે જેણે પોતાના જોરદાર પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
દક્ષિણ આફ્રિકાએ શ્રેષ્ઠ બોલિંગનો નમૂનો રજૂ કરતાં અફઘાનિસ્તાનને માત્ર 56 રન પર આઉટ કરી દીધું. માર્કો જેનસને 16 રન આપીને 3 વિકેટ લીધી જ્યારે કગિસો રબાડાએ 14 અને એનરિક નોર્ખિયાએ સાત રન આપીને બે-બે વિકેટ લીધી. પાવરપ્લેની અંદર અફઘાનિસ્તાનનો સ્કોર પાંચ વિકેટ પર 28 રનનો હતો અને સમગ્ર ટીમ 11.5 ઓવરમાં આઉટ થઈ ગઈ.
ક્વિંટન ડિકોકની વિકેટ ઝડપથી ગુમાવ્યા છતાં દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં 60 રન સરળતાથી બનાવી દીધાં. રીજા હેંડ્રિક્સે 29 રન અને કેપ્ટન એડેન માક્રરમે 23 રન બનાવ્યા. અફઘાનિસ્તાને પોતાની તમામ શક્તિ સેમિ ફાઈનલ સુધી પહોંચવામાં ઉપયોગ કરી હતી જે તેના પ્રદર્શનમાં નજર આવી. દક્ષિણ આફ્રિકાના બોલરોની સામે તેમના બેટ્સમેન ટકી શક્યાં નહીં અને ટીમ પોતાના લઘુતમ સ્કોર પર આઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર્સે તો શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જ, અફઘાનિસ્તાનના બેટ્સમેન પણ ભૂલો કરતાં રહ્યાં.
સાઉથ આફ્રિકાની ફાઇનલમાં એન્ટ્રીથી ભારત થશે ખુશ
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન ભારત સામે એટલું ખાસ રહ્યું નથી. બંને ટીમની વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમવામાં આવી છે. તેમાંથી 4 ભારત તો 2 સાઉથ આફ્રિકાએ જીતી છે. 2014ના ટી20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ભારતનો સામનો સાઉથ આફ્રિકા સાથે થયો હતો. આ મેચ ટીમ ઈન્ડિયા 6 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. તો કુલ મળીને આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. દરમિયાન જો સેમિ ફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહે છે તો તેને ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે રમવું પડશે.