રાજકોટના બહુમાળી ભવનના સિંચાઇ વિભાગની ઘટના : ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઓર્ડર લઇ જવા બાબતે માથાકૂટ, પ્ર.નગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ
રાજકોટ, : રાજકોટના બહુમાળી ભવનના ચોથા માળે આવેલા સિંચાઇ વિભાગમાં ગઇકાલે જીએસટી ઇન્સ્પેક્ટર અને સિંચાઇ વિભાગના ક્લાર્કના પરિવાર વચ્ચે મારામારી થતાં બંને પક્ષના ચાર ઘવાયા હતા. પ્ર.નગર પોલીસે સામસામી ફરિયાદો નોંધી તપાસ આગળ ધપાવી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટનો ઓર્ડર લઇ જવા જેવી નજીવી બાબતે બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઇ હતી.
યુનિવર્સિટી રોડ પરના ગર્વમેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને સિંચાઇ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે તેણે શિવમ પાડલીયા અને અભિષેક ટાંકને ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતેનો ઓર્ડર લઇ જવાની સૂચના આપી હતી. ઘણી રાહ જોવા છતાં બંને આવ્યા ન હતા. બપોરે તેની કચેરીમાં આસિસ્ટન્ટ ઇશાબેને તેને કહ્યું કે શિવમે કહ્યું છે કે શિવરાજસિંહને કહેજો મારો ઓર્ડર મારી ઓફિસે મોકલી આપે. જેથી તેણે અંકિત જોબનપુત્રાના ફોનમાંથી ઓર્ડર રૂબરૂ લઇ જવા અથવા અન્ય કોઇ કર્મચારીને મોકલવા કહ્યું હતું. પરંતુ શિવમે ફોન કટ કરી નાખ્યો હતો.
થોડીવાર બાદ તે ઓર્ડર લઇને રૂબરૂ ચોથા માળે આવેલી ઇરીગેશનની કચેરીએ પહોંચ્યા હતા. તે વખતે ત્યાં અગાઉથી શિવમ ઉપરાંત બહુમાળી વિભાગમાં જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતી તેની બહેન નિરાલી ઉપરાંત બે અજાણ્યા શખ્સો હાજર હતાં. આ તમામે ઉશ્કેરાઇ તેની સાથે ઝગડો કરી ગાળો ભાંડી હતી. તે વખતે સિંચાઇ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહના ભાઈ એવા સિધ્ધરાજસિંહ પણ આવી પહોંચ્યા હતાં.
આ વખતે ચારેયે ઝગડો કરી ઝપાઝપી કરી હતી. જેમાં તેને અને તેના ભાઇને નાની-મોટી ઇજા થઇ હતી. નિરાલીએ છેડતીના કેસમાં ફીટ કરાવવાની અને બહુમાળી ભવનની બહાર નીકળ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે શ્રોફ રોડ પરના સરકારી ક્વાર્ટરમાં રહેતા નિરાલીબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે બપોરે તે અને તેનો નાનો ભાઇ ઘરે લંચ માટે આવ્યા હતા. તે વખતે શિવરાજસિંહે તેના ભાઈને ફોનમાં ગાળો ભાંડી હતી. જેથી તેનો ભાઈ શિવમ તાત્કાલિક પોતાની ઓફિસે ગયો હતો. તે પણ સાથે ગઇ હતી. તે વખતે શિવરાજસિંહ અને ઓફિસના બીજા માણસો ટોળે વળી ઉભા હતા. શિવરાજસિંહે તેના ભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું. શું વાત છે તેમ તેણે પૂછતાં શિવરાજસિંહ અને તેના ભાઈએ તેના ભાઈ સાથે અસભ્ય વર્તન શરૂ કરી ટયુબના હોલ્ડર વડે તેના ભાઈ પર હુમલો કર્યો હતો. તે વચ્ચે પડતાં તેને ગડદાપાટુનો માર મારી ચશ્મા તોડી નાખી ધમકી આપી હતી.
એટલું જ નહીં તેની આંખના ઉપરના ભાગે મૂક્કો મારતા ઇજા થઇ હતી. આ દરમિયાન કાર્યપાલક ઇજનેર પણ આવી ગયા હતા. તેના ભાઈના મિત્રો પણ આવી પહોંચ્યા હતા. જેમણે તેમને ઝગડામાંથી બચાવ્યા હતાં. આ વખતે શિવરાજસિંહ અને તેના ભાઈએ તેમણે ઉતારેલો વીડિયો પણ ડીલીટ કરાવી નાખ્યો હતો. આટલેથી નહીં અટકતા તેને ગડદા પાટુનો માર મારી સાથળના ભાગે પાટા ઝીંક્યા હતાં. તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કોઇપણ વાંક ગુના વગર મારકૂટ અને ધમકી આપી હતી.