– પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવું લાગી રહ્યું છે
– ટેકનિકલ કારણોથી ખોરવાયેલો વીજ પુરવઠો વહેલીતકે પૂર્વવત્ કરાય છે : કાર્યપાલક ઈજનેર
સિહોર શહેરના લીલાપીર, ઘાંચીવાડ, મોંઘીબાની જગ્યા, મકાતનો ઢાળ, કંસારી બજાર, જુના સિહોર, ધનકેડી, પ્રગટનાથ રોડ, પાળીયાધાર રોડ, બસ સ્ટેન્ડ, પટેલ બિલ્ડિંગ, સિંધી કોલોની, શિવશક્તિ, કૈલાસનગર, ગૌતમેશ્વરનગર, માધવનગર, જગદિશ્વરાનંદનગર, અલ્કાપુરી, રાજપુત સોસાયટી, રેલવે સ્ટેશન રોડ, ખાડિયા વિસ્તાર, દાદાની વાવ આવા અનેક વિસ્તારોમાં છેલ્લા થોડાં સમયથી દિવસમાં પાંચથી સાત વખત વીજ પુરવઠો ખોરવાય જવાથી વીજતંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. વીજતંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના નામે કલાકો સુધી વીજકાપ ઝિંકવામાં આવે છે તેમ છતાં સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ પીજીવીસીએલનો ફોન પણ નહી લાગતો હોવાની રાવ ઉઠી છે ત્યારે લોકોને પડતી હાડમારી ઉકેલાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બીજી તરફ આ મુદ્દે પીજીવીસીએલ ભાવનગર રૂલરના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ગત દિવસોમાં સિહોરના માધવ ફીડર અને અદિતી ફીડરના અમુક વિસ્તારોમાં વાયર પર ઝાડની ડાળી પડવાથી, ભારે પવનથી વીજ વાયરોને નુકસાન પહોંચ્યું હતું તેમજ આઉટડોર કેબલ ફાયર થવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉપરાંત ગઈકાલે વીજળી પડવાથી મેઈન પીન ઈન્સ્યૂલેટર ફાયર થવા જેવા ટેકનિકલ કારણોથી વીજ વિક્ષેપ પડયો હતો. ખોરવાયેલો વીજ પુરવઠો વીજતંત્ર દ્વારા વહેલીતકે પૂર્વવત્ કરવામાં આવે છે.