દરિયાઈ પટ્ટી પર રેતીચોરીથી કુદરતી સી- વોલને નુકસાન : પોરબંદર જિલ્લાના 110 KM લાંબા દરિયા કિનારે પોલીસ તંત્ર રેતીચોરો સામે કડક બનેઃ
પોરબંદર, : પોરબંદર જિલ્લાની 110 KM લાંબી દરિયાઇપટ્ટી ઉપર મોટી માત્રામાં થતી રેતીચોરી હવે જોખમી હદે વધી છે. હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા પછી બનતી સી વોલને આને લીધે નુકસાન થવાની ભીતિ હોવાથી તેને બચાવવા માટે પોલીસતંત્ર કડક હાથે કામ લે તેવી માંગણી સાથે જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવાયુ છે.
જેઠવાએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ છે કે માધવપુરથી મીયાણી ગામ સુધીના 110 કિ.મી.ના સમુદ્ર કિનારે સમુદ્રીપાળ -સી-વોલ હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા દ્વારા બનેલ કુદરતી સુરક્ષા છે, પરંતુ સેન્ડ માફિયા અને અમુક ભ્રષ્ટ સરકરી અધિકારીઓની મીલીભગત ઉપરાંત રાજકીય લોકોની સંડોવણીના કારણે આ સી વોલ પરથી લાખો ટન સી સેન્ડની રેતી ચોરી થઇ ગઇ છે. નવીબંદર ભાદરઆઇના મંદિરેથી લઇ પોરબંદર શહેર સુધી અને જાવર-કુછડી ગામથી લઇ મીયાણી સુધીમાં આ સમુદ્રી કુદરતીપાળમાં દરિયાઇ રેતીચોરી કરી મોટા મોટા ગાબડા પાડી દેવામાં આવ્યા છે. અમુક ગામોમાં તો સી વોલ સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવી છે.
પોરબંદર તાલુકો, જિલ્લો સાયકલોનીક ઝોનમાં આવતો વિસ્તાર છે તેથી ચોમાસા દરમ્યાન મોટા ભયંકર સમુદ્રી ચક્રવાત, વાવાઝોડા વારંવાર આવતા રહે છે. આ સમયે દરિયો ખુબ તોફાની અને રફ બને છે તેથી વ્યાપક વિસ્તાર પર જોખમ રહે છે, સમુદ્ર તોફાની બને ત્યારે લોકોના ઘરમાં, ખેતર-વાડી- બગીચામાં સમુદ્રી પાણી ઘુસી જવાનો ભય રહે છે. આથી, કાનુની કાર્યવાહી કરી સમુદ્રી રેતીચોરી બિલકુલ બંધ કરાવવા અને જે મોટા ગાબડા સેન્ડ માફીયાએ પાડી દીધા છે તે કોણ કરી ગયુ છે તેની પણ તપાસ આદરીને કડક કાર્યવાહી કરવાનું જરૃરી છે.