મુંબઈ : ટેલીકોમ ઓક્શન આજે બીજા દિવસે અમુક કલાકોમાં જ પૂર્ણ થયા સાથે ટેલીકોમ ઓપરેટરો રિલાયન્સ-જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઈડીયા દ્વારા ટૂંક સમયમાં ટેરિફમાં મોટો વધારો થવાના અહેવાલોએ આજે ફંડોએ રિલાયન્સ, ભારતી એરટેલની આગેવાનીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીની દોટને આગળ વધારી હતી. ટેલીકોમ શેરોમાં તેજીના તોફાન સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં સતત ખરીદીનું પણ બજારને પીઠબળ મળ્યું હતું. જ્યારે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી જાહેરાત થવાની અપેક્ષાએ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના સિમેન્ટ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સે આજે ઈન્ટ્રા-ડે ૭૮૭૫૯.૪૦ નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૬૨૦.૭૩ પોઈન્ટ વધીને ૭૮૬૭૪.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૩૮૮૯.૯૦ની નવી વિક્રમી ટોચ બનાવી અંતે ૧૪૭.૫૦ પોઈન્ટ ઉછળીને ૨૩૮૬૮.૮૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.
રિલાયન્સ રૂ..૩૦૩૭ વર્ષની નવી ટોચે : અંતે રૂ..૧૧૯ ઉછળી રૂ..૩૦૨૭ : ભારતી એરટેલ રૂ..૧૪૭૯ ટોચે
સરકારના સ્પેક્ટ્રમ ઓફર માટેના ન્યુનતમ મૂલ્ય રૂ..૯૬,૨૩૮ કરોડના ૧૨ ટકા જ એટલે કે રૂ..૧૧,૩૦૦ કરોડના રેડિયો વેવઝની ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો દ્વારા ખરીદી કરવામાં આવ્યાના સમાચાર સાથે હવે ટેલીકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં તોળાતાં મોટા વધારાના અહેવાલે આજે ફંડોની ટેલીકોમ શેરોમાં આક્રમક ખરીદી રહી હતી. ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરો દ્વારા છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં ટેરિફમાં ૨૦ ટકાનો વધારો કરાયો હતો. આ વખતે ૧૫ થી ૨૦ ટકા વધારાની શકયતા મૂકાઈ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ..૩૦૩૭ બાવન સપ્તાહની નવી ટોચ બનાવી અંતે રૂ..૧૧૮.૯૦ ઉછળીને રૂ..૩૦૨૭.૪૦ રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ બાવન સપ્તાહની રૂ..૧૪૭૯.૫૦ નવી ટોચ બનાવી અંતે રૂ..૪૩.૪૫ વધીને રૂ..૧૪૫૮.૫૫ બંધ રહ્યો હતો. આ સાથે વોડાફોન આઈડીયા ૮૨ પૈસા વધીને રૂ..૧૮.૦૨, ટીટીએમએલ રૂ..૩.૩૫ વધીને રૂ..૮૦.૭૨, એમટીએનએલ રૂ..૧.૩૧ વધીને રૂ..૪૪.૧૮ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં સતત ખરીદી : બેંકેક્સ ૩૪૫ પોઈન્ટ વધ્યો : આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસમાં તેજી
લોકલ ફંડોની બેંકિંગ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં સતત ખરીદી રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૪૪.૬૭ પોઈન્ટ વધીને ૬૦૧૪૯.૮૮ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ..૧૯.૨૦ વધીને રૂ..૧૨૧૮.૨૫, એક્સિસ બેંક રૂ..૧૬ વધીને રૂ..૧૩૮૫.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ..૧૪.૯૫ વધીને રૂ..૧૭૯૭.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ..૩.૨૦ વધીને રૂ..૮૪૫.૦૫ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : એનએમડીસી, વેદાન્તા, એપીએલ અપોલો, સેઈલ, ટાટા સ્ટીલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૩.૩૧ પોઈન્ટ ઘટીને ૩૨૬૬૬.૪૫ બંધ રહ્યો હતો. એનએમડીસી રૂ..૮.૭૫ ઘટીને રૂ..૧૫૯૦, સેઈલ રૂ..૩ ઘટીને રૂ..૧૪૪, ટાટા સ્ટીલ રૂ..૩.૧૫ ઘટીને રૂ..૧૭૨.૫૫, એપીએલ અપોલો રૂ..૩૫.૨૦ ઘટીને રૂ..૧૫૯૦, વેદાન્તા રૂ..૧૧.૯૫ ઘટીને રૂ..૪૪૨.૧૫, હિન્દાલ્કો રૂ..૧૧.૬૫ ઘટીને રૂ..૬૭૩.૮૫, જિન્દાલ સ્ટીલ રૂ..૧૫.૩૫ ઘટીને રૂ..૧૦૪૮ રહ્યા હતા.
ઓટો શેરોમાં પણ પીછેહઠ : મહિન્દ્રા રૂ..૫૯ ઘટીને રૂ..૨૮૫૧ : બજાજ ઓટો રૂ..૧૭૬ ઘટીને રૂ..૯૪૮૦
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૧.૮૩ પોઈન્ટ ઘટીને ૫૬૯૧૯.૩૧ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ..૫૮.૬૫ ઘટીને રૂ..૨૮૫૧.૩૫, બજાજ ઓટો રૂ..૧૭૬.૨૫ ઘટીને રૂ..૯૪૮૦.૦૫, ટીવીએસ મોટર રૂ..૩૦.૬૫ ઘટીને રૂ..૨૩૮૫, હીરો મોટોકોર્પ રૂ..૬૫.૮૦ ઘટીને રૂ..૫૪૪૭.૭૫, એમઆરએફ રૂ..૧૦૫૭.૩૦ ઘટીને રૂ..૧,૨૫,૮૫૨, આઈશર મોટર્સ રૂ..૩૮.૫૦ ઘટીને રૂ..૪૭૩૪.૬૦ રહ્યા હતા. બોશ રૂ..૩૧૨.૩૦ વધીને રૂ..૩૪,૧૨૭.૨૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ..૩૪.૨૫ વધીને રૂ..૪૨૩૬.૫૦, મારૂ.તી સુઝુકી રૂ..૯૦.૯૫ વધીને રૂ..૧૨,૨૦૪.૮૫ રહ્યા હતા.
ઓવરવેલ્યુએશને સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ફંડોનું વધતું પ્રોફિટ બુકિંગ : ૧૯૬૦ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘણા શેરોમાં ઓવરબોટ પોઝિશન હોવા સાથે વેલ્યુએશન મોંઘા બની ગયા હોઈ ફંડો, ઓપરેટરોએ ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ સતત કરતાં રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૦ અને વધનારની ૧૯૨૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ..૧.૨૬ લાખ કરોડ વધીને રૂ..૪૩૭.૦૨ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે રિલાયન્સ, ભારતી એરટેલ, બેંકિંગ શેરોની આગેવાનીએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ..૧.૨૬ લાખ કરોડ વધીને રૂ..૪૩૭.૦૨ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FIIની શેરોમાં રૂ..૩૫૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ..૫૧૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ..૩૫૩૫.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ..૧૯,૯૨૦.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ..૨૩,૪૫૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ..૫૧૦૩.૬૭કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ..૧૮,૩૪૨.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ..૧૩,૨૩૮.૭૦ કરોડની વેચવાલી થઈ હતી.