અમદાવાદ,
ગુરૂવાર
રાજસ્થાનથી અમદાવાદમાં આંખની સારવાર કરાવવા આવેલા ત્રણ વ્યક્તિઓને
ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે વાહનચેકિંગ દરમિયાન રોકીને તેમની પાસેથી
રૂપિયા ૮૦ લાખની કિંમતનો ગોલ્ડ પાવડર જપ્ત કર્યો હતો. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું
હતું કે રાજસ્થાનમાં રહેતા તેમના એક પરિચિત વ્યક્તિએ તેમને ઇન્દિરા સર્કલ પાસેથી ગોલ્ડ પાવડર ભરેલું પર્સ લઇ જવા માટે સુચના આપી
હતી. જેના બદલામાં નાણાંની ચુકવણી કરવાના હતા.
આ અંગે ઓઢવ ુપોલીસે કાર અને સોનાના પાવડર સહિત કુલ ૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ
તપાસ શરૂ કરી છે. આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસનો સ્ટાફ મંગળવારે સાંજના સમયે સોનીની
ચાલી ચાર રસ્તા પર વાહનચેકિંગમાં હતો . ત્યારે દિલ્હી રજીસ્ટ્રેશનની એક કારને રોકીને
ડ્રાઇવર પાસેથી કારના કાગળો અને લાયસન્સ તપાસ્યા હતા. આ સમયે કારમાં સવાર અન્ય બે વ્યક્તિ
પૈકી એક વ્યક્તિ પાસે બેગ હતી. શંકાને આધારે
તેમાં તપાસ કરતા પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. જે સોનાનો પાવડર હોવાની શક્યતા હોવાથી સોનીને બોલાવીને
તપાસ કરાવવામાં આવી હતી. જેમાં આ ગોલ્ડ પાવડર હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે
તમામની અટકાયત કરીને મુદ્દામાલ સાથે ઓઢવ પોલીસને હવાલે કર્યા હતા. પુછપરછમાં તમામના નામ શુભમ નવરતન પેઠીવાલા (રહે.
બિકાનેર), મોહંમદ ફરાજ
મોંહમદ સલીમ ગોપાલ પુરિયા (રહે.સુજાનગઢ,
ચુરૂ) અને ભુવનેશ્વરસિંહ સોઢા (રહે. રામપુરા, જી.બિકાનેર) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની વધુ તપાસ કરતા
જાણવા મળ્યું હતું કે મોહમંદ સિરાજની આંખની સારવાર માટે તમામને અમદાવાદ આવવાનું હતું. જેથી સિકરમાં રહેતા
ધર્મા નામના વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે
અમદાવાદથી પરત આવતા સમયે ગોલ્ડ લાવવાનું છે. જેના કામના બદલામાં ૫૦ હજાર રૂપિયા રોકડા અપાવેલા હતા અને બાકીને નાણા બાદમાં આપવાનું
કહ્યું હતું.મંગળવારે સવાર ત્રણેય જણા અમદાવાદ આવ્યા હતા અને ઓઢવ રીંગ રોડ પર રોકાયા
હતા. સાંજના સમયે તેમને રાજેશ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે ઇન્દિરાબ્રીજ પાસેનું લોકેશન મોકલીને કહ્યું હતું
કે કાર લઇને ત્યાં પહોંચો ત્યારે એક વ્યક્તિ ગોલ્ડ પાવડર આપી જશે. જેથી ત્રણેય જણા
સાંજના સમયે ગોલ્ડ લઇને સોનીની ચાલીથી હોટલ પરત આવી રહ્યા હતા. તે સમયે તમામ લોકો ઝડપાઇ
ગયા હતા.
આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ પી એન ઝીંઝુવાડિયાએ જણાવ્યું
કે ઝડપાયેલા ત્રણેય લોકો અગાઉ દિલ્હીથી ગોલ્ડની
ડિલેવરી લાવી ચુક્યા છે. સાથેસાથે તેમને કરવામાં આવેલા ફોન દુબઇથી આવ્યા હોવાનું પણ
જાણવા મળ્યું છે. જેથી દુબઇથી ગેરકાયદેર રીતે એરપોર્ટ પર ગોલ્ડ પાવડર લાવવામાં આવ્યો
હોવાની શક્યતાને આધારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ગેરકાયદેસર રીતે
ગોલ્ડની હેરફેરનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.