Pakistan Heat Wave news | પાકિસ્તાનમાં હીટવેવને કારણે મોતનો સિલસિલો યથાવત છે. કરાચીમાં છેલ્લા ચાર દિવસમાં ગરમીને કારણે 450 લોકોનાં મોત થયા છે તેમ એક અગ્રણી એનજીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇદી ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને શનિવારથી મંગળવાર સુધીમાં 427 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત સિંધ સરકારે મંગળવારે ત્રણ સરકારી હોસ્પિટલોમાંથી 23 મૃતદેહો જારી કર્યા હતાં.
પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલા કરાચી શહેરમાં શનિવારથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના આ શહેર માટે 40 ડિગ્રી તાપમાનને ખૂબ જ વધારે ગણવામાં આવે છે.એનજીઓએ જણાવ્યું છે કે તે કરાચીમાં હાલમાં ચાર શબધરો ચલાવી રહ્યાં છે. જો કે એટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યાં હોવાથી હવે શબઘરોમાં જગ્યા વધી નથી. એનજીઓનું માનવું છે કે મોટા ભાગના મૃતદેહો ઘરવિહોણા લોકો અને ડ્રગ્સનું સેવન કરનારા લોકોનાં છે.
એનજીઓને સોમવારે 128 અને મંગળવારે 135 મૃતદેહો મળ્યા હતાં. હીટવેવની વચ્ચે કરાચીના લોકો વીજકાપની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કરાચી ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર સિંધ સરકારે 10 અબજ રૂપિયાની બાકી રકમ હજુ સુધી ચુકવી નથી.