Image : IANS
T20 World cup 2024: T20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલની પહેલી ટીમ નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિ ફાઈનલમાં (First Semifinal) દક્ષિણ આફ્રિકાની સામે અફઘાનિસ્તાન ટીમનો પરાજય થયો હતો. નોકઆઉટ મેચમાં આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાની ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે જ ટીમે T20 વર્લ્ડ કપમાં સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. નોકઆઉટમાં પહેલીવાર આવું બન્યું હતુ.
દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ
ICC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશવાના સપના સાથે પ્રવેશી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની આખી ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. કગીસો રબાડા, એનરિક નોરખિયા, માર્કો જેન્સન અને તબરેઝ શમ્સી સામે અફઘાનિસ્તાનની બેટિંગ લાઈન પત્તાંના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી.
અફઘાનિસ્તાને શરમજનક રેકોર્ડ બનાવ્યો
આ સાથે જ અફઘાનિસ્તાને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવતા તેનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં આ સૌથી લોએસ્ટ સ્કોર છે. મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. દ.આફ્રિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં જ ટારગેટ ચેઝ કરી ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે જ આફ્રિકાએ વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
બેટરો કરતાં વધુ રન એક્સ્ટ્રાના
આ મેચમાં શરમજનક વાત એ હતી કે અફઘાનિસ્તાનના બેટરો કરતાં 13 રન એક્સ્ટ્રાથી આવ્યા હતા. જેમાં 6 રન બાયથી આવ્યા, 6 રન વાઈડથી અને 1 રન લેગબીથી આવ્યા હતા. અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું, તેના એક પણ બેટરે 10થી વધુ રન બનાવ્યા ન હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા.