મહારાષ્ટ્રની પોલીસ ક્લોઝર માટે તલપાપડ, કેન્દ્રની ઈડીને વાંધો
ક્લોઝર રીપોર્ટ સામે ઈડીની દખલ અરજીનો પોલીસ દ્વારા વિરોધ : મૂળ કેસ બંધ કરવાથી ગુનાની રકમ ને અને કેસની તપાસને અસર થવાની ઈડીની રજૂઆત
મુંબઈ : રૃ. ૨૫ હજાર કરોડના કથિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં પોલીસે આપેલા ક્લોઝર રિપોર્ટમાં મધ્યસ્થી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કરેલી અરજીનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી અજિત પટેલને સંડોવતા કેસને મહારાષ્ટ્ર પોલીસ બંધ કરવા માગે છે. બીજી તરફ અજિત પવાર એનડીએમાં સામેલ હોવા છતાં પણ કેન્દ્રની એનડીએ સરકાર હસ્તકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસ બંધ ન કરવામાં આવે તેમ ઈચ્છી રહી છે.
શહેરની પોલીસની આર્થિક ગુના શાખાએ નોંધેલા મૂળ કેસમાં નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારનું નામ આરોપી તરીકે છે, પણ બાદમાં પોલીસની આર્થિક ગુના શાખાએ ક્લોઝર રીપોર્ટ આપતાં જણાવ્યું હતું કે કથિત ફ્રોડને કારણે બેન્કને કોઈ અયોગ્ય નુકસાન થયું નથી.
ગુરુવારે લેખિત જવાબમાં આર્થિક ગુના શાખાએ જણાવ્યું હતું કે ઈડીની આવી અરજી અગાઉ વિશેષ કોર્ટે ફગાવી હતી. સેન્ટ્રલ એજન્સીએ નવેસરથી એ જ મુદ્દે અરજી કરી છે.
સપ્ટેમ્બર ૨૦૨૦માં પહેલાં આર્થિક ગુના શાખાએ દાખલ કરેલા ક્લોઝર રિુપોર્ટને કોર્ટે સ્વીકાર્યો હતો.પણ ઓક્ટોબર ૨૦૨૨માં તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે વિરોધ કરતી અરજીમાં ફરિયાદી અને ઈડીએ ઉઠાવેલા મુદ્દાને આધારે વધુ તપાસ કરાઈ રહી છે.
માર્ચમાં પોલીસે ફરી ક્લોઝર રિપોર્ટ આપીને બેન્કને કોઈ નુકસાન થયું નહોવાનું જણાવ્યુ હતું. કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગના કેસની તપાસ કરતી ઈડીએ તાજેતરમાં કોર્ટમાં અરજી કરીને ક્લોઝર રિપોર્ટની સુનાવણીમાં મધ્યસ્થીની દાદ માગી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે કેસ આર્થિક ગુના શાખાની એફઆઈઆર પર આધારિત છે અને આરોપનામું અને બે પુરક આરોપનામા દાખલ કરાઈ ચૂક્યા છે.ક્લોઝર રિપોર્ટથી સરકારી પક્ષની ફરિયાદો તેમ જ ગુનાની રકમને અસર કરશે, એમ ઈડીએ કોર્ટને જણાવ્યું હતું.
હાઈકોર્ટના આદેશ બાદ નોંધાયેલી એફઆઈઆરમાં આરોપ કરાયો હતો કે હજારો કરોડની લોન સાકર સહકારીઓ, સ્પિનિંગ મિલ અને અન્ય કંપનીઓએ જિલ્લા અને સહકારી બેન્કો પાસેથી લીધી હતી તેને ડાઈવર્ટ કરાઈ છે અથવા ચૂકવાઈ નથી.
એનસીપીના નેતા અજીત પવાર અને અન્ય ૭૦ જણ એ વખતે બેન્કના ડિરેક્ટર પદે હતા અને તેમના નામ આરોપી તરીકે છે. પહેલી જાન્યુઆરી ૨૦૦૭ અને ૩૧ ડિસલેમ્બર ૨૦૧૭ દરમ્યાન કથિત ગેરરીતિને કારણે મહારાષ્ટ્ર સરકારને રૃ. ૨૫ હજાર કરોડનું નુકસાન થયું છે. આરબીઆઈના નિયમોનો ભંગ કરીને મિલોકે સસ્તા દરે લોન અપાઈ હતી અને ડિફોલ્ટરની મિલકતને નજીવા ભાવે વેચી નખાઈ હોવાનો આરોપ છે.