back to top
Homeભારતકટોકટી દેશના બંધારણ પરનો સૌથી મોટો હુમલો હતો : રાષ્ટ્રપતિ મુર્મૂ

કટોકટી દેશના બંધારણ પરનો સૌથી મોટો હુમલો હતો : રાષ્ટ્રપતિ મુર્મૂ

– રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સંકલ્પે ભારતને મજબૂત બનાવ્યું

– રાષ્ટ્રપતિએ ભાષણમાં પૂર્વોત્તર ભારતથી લઈને અર્થતંત્ર અને રોજગારીથી લઈને પેપરલીક સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા

– સરકારે પીએમ કિસાન નિધિ હેઠળ ખેડૂતોને રૂ. 3.20 લાખ કરોડ આપ્યા, ખરીફ પાકની એમએસપીમાં વિક્રમી વધારો કરાયો

નવી દિલ્હી : મોદી સરકાર પર બંધારણ બદલવા અંગે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં સ્પીકર ઓમ બિરલા પછી ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ ૧૯૭૫માં ૨૫મી જૂને લદાયેલી કટોકટી ભારતના બંધારણ પર કાળો ડાઘ હોવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ૧૯૭૫માં દેશમાં હાહાકાર મચી ગયો હતો અને બે વર્ષ સુધી ઈમર્જન્સી લાગુ હતી. આ સમયે લોકોના બધા જ અધિકારો આંચકી લેવાયા હતા. આપણે બધા સંકલ્પ લઈએ કે બંધારણનું રક્ષણ કરીશું. જોકે, રાષ્ટ્રપતિના આ સંબોધનથી વિપક્ષ ભડક્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. રાષ્ટ્રપતિના સંબોધન મારફત સરકારે વિપક્ષને દર્પણ બતાવ્યું હતું.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે આ ત્રીજી એનડીએ સરકારની રચના પછી તેમનું પહેલું અભિભાષણ છે. તેમણે ઉમેર્યું કે, ૧૮મી લોકસભાના બધા જ ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવું છું. તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા છો. મને વિશ્વાસ છે કે તમે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી પોતાના કર્તવ્યોનું પાલન કરશો. તેમણે ભાષણમાં પૂર્વોત્તર ભારતથી લઈને અર્થતંત્ર અને રોજગારીથી લઈને પેપરલીક સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. લોકસભા ચૂંટણી અને ત્યાર પછી કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મોદી સરકાર પર સતત બંધારણ બદલવાનો આક્ષેપ મૂક્યો હતો ત્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ મારફત કેન્દ્ર સરકારે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો હોવાનું મનાય છે.

સીએએના મુદ્દે રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારે સીએએ કાયદા હેઠળ શરણાર્થીઓને નાગરિક્તા આપવાનું શરૂ કર્યું છે. વધુમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં ભારતે સરેરાશ ૮ ટકાના દરે વિકાસ કર્યો છે. આ ગ્રોથ સામાન્ય સ્થિતિઓમાં નથી થયો આ સમયમાં દુનિયાએ કોરોના જેવી મોટી આપદાઓ જોઈ છે. સરકાર અર્થતંત્રના ત્રણ સ્તંભો મેન્યુફેક્ચરિંગ, સર્વિસીસ અને કૃષિને બરાબર મહત્વ આપી રહી છે. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ સમયે તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ પેપર લીક ના થાય તે માટે સરકાર આકરાં પગલાં લઈ રહી છે. આ અંગે સરકારે કાયદો પણ રજૂ કર્યો છે. 

બજેટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આગામી સત્રમાં સરકાર આ કાર્યકાળનું પહેલું બજેટ લઈને આવશે. આ બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભવિષ્યવાદી દૃષ્ટિકોણનો પ્રભાવશાળી દસ્તાવેજ હશે. બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયો સાથે અનેક ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સંકલ્પે ભારતને દુનિયામાં સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર બનાવ્યું છે. ખેડૂતોના મુદ્દે રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ૩.૨૦ લાખ કરોડ રૂપિયા અપાયા છે. નવા વર્ષના કાર્યકાળની શરૂઆતમાં જ ખેડૂતોને રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાઈ છે. ખરીફ પાકની એમએસપીમાં વિક્રમી વધારો કરાયો છે. સરકાર પ્રાકૃતિક ખેતી અને તેની સાથે સંકળાયેલા ઉત્પાદનોની સપ્લાય ચેઈનને મજબૂત કરી રહી છે.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, આજકાલ લોકતંત્ર પર હુમલા થઈ રહ્યા છે. તેના પર અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. તેમનો ઈશારો ઈવીએમ પર વિપક્ષ તરફથી સતત ઉઠાવાતા સવાલ હતા. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, ઈવીએમ જનતાની કસોટી પર ખરું ઉતર્યું છે.  અમને ખબર છે કે કેટલાક દાયકા પહેલાં દેશમાં મતદાન દરમિયાન બેલેટ પેપર લૂંટી લેવાતા હતા.  તેમણે કહ્યું કે, પેપર લીક પર કેન્દ્ર સરકાર નિષ્પક્ષ તસાપ માટે કટિબદ્ધ છે અને આ સરકાર પેપર લીક રોકવા નવો કાયદો લાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments